સ્પોર્ટસ

ભારત 11મી વખત અન્ડર-19 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં

બ્લોમફોન્ટેન: ઉદય સહરાનના સુકાનમાં ભારતની ટીમ વન-ડેના અન્ડર-19 વર્લ્ડ કપમાં નેપાળને 132 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચી હોય એવું 11મી વખત બન્યું છે. ભારત સૌથી વધુ પાંચ વખત ચૅમ્પિયન બન્યું છે અને ત્રણ વાર રનર-અપની ટ્રોફી જીત્યું છે. બે વાર ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં હારી જતાં ત્રીજા સ્થાને રહી છે.

શુક્રવારે સુપર-સિક્સ રાઉન્ડમાં ભારતીય ટીમે નેપાળને પૂંછડિયા બૅટર્સ (દુર્ગેશ ગુપ્તા, આકાશ ચંદ)ની લડાયક રમત બાદ હરાવી દીધું હતું. ભારતે પાંચ વિકેટે 297 રન બનાવ્યા હતા જેમાં ઉદય (107 બૉલમાં 100 રન) અને સચિન ધાસ (101 બૉલમાં 116 રન)ના સૌથી મોટા યોગદાનો હતા. નેપાળની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવી શકી હતી.
લેફ્ટ-આર્મ સ્પિનર સૌમ્ય પાન્ડેએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. નેપાળનો એકેય બૅટર હાફ સેન્ચુરી પણ નહોતો ફટકારી શક્યો.

હવે શનિવારે પાકિસ્તાનની કસોટી છે, કારણકે એણે બંગલાદેશની મજબૂત ટીમ સામે રમવાનું છે. પાકિસ્તાન પણ સેમિમાં પહોંચશે તો પછીથી ફાઇનલમાં ભારત સામે એની ટક્કર થઈ શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button