સ્પોર્ટસ

સૌરાષ્ટ્રના ધર્મેન્દ્રસિંહ જાડેજાના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સને કારણે મહારાષ્ટ્ર મુસીબતમાં

સોલાપુર: રણજી ટ્રોફીમાં શુક્રવારે ચાર દિવસીય મૅચના પ્રારંભિક દિવસે જયદેવ ઉનડકટની કૅપ્ટન્સીમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ દાવમાાં માત્ર 202 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી, પણ પછી મહારાષ્ટ્રની પણ બૂરી હાલત થઈ હતી, કારણકે કેદાર જાધવની ટીમે 116 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

સૌરાષ્ટ્રએ બૅટિંગ લીધા પછી 23 રનમાં પહેલી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી જેમાં ચેતેશ્વર પુજારા (3)ની વિકેટનો પણ સમાવેશ હતો. ત્રણેયને લેફ્ટ-આર્મ સ્પિનર હિતેશ વાળુંજે આઉટ કર્યા હતા. 54મા રને બીજી બે વિકેટ પડી હતી, પરંતુ પછીથી ધર્મેન્દ્રસિંહ જાડેજા (72 રન, 107 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) તથા પ્રેરક માંકડ (56 રન, 80 બૉલ, સાત ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 118 રનની ભાગીદારીએ સૌરાષ્ટ્રની આબરૂ સાચવી લીધી હતી. વાળુંજે કુલ છ અને તરણજિતસિંહ ધિલ્લોને ચાર વિકેટ લીધી હતી. મહારાષ્ટ્રએ 116 રનમાં જે સાત વિકેટ ગુમાવી એમાંથી ચાર ધમેન્દ્રસિંહ જાડેજાએ અને બે વિકેટ યુવરાજસિંહ ડોડિયાએ લીધી હતી.

કોલકતામાં બેન્ગાલ સામે મુંબઈએ પ્રથમ દાવમાં છ વિકેટે 330 રન બનાવ્યા હતા. ત્રણ બૅટરે હાફ સેન્ચુરી સાથે મહત્ત્વના યોગદાન આપ્યા હતા: કૅપ્ટન શિવમ દુબે (73 બૉલમાં 72 રન), સૂર્યાંશ શેડગે (76 બૉલમાં 71 રન) અને તનુષ કોટિયન (પંચાવન નૉટઆઉટ). કમબૅકમૅન પૃથ્વી શોએ 35 રન બનાવ્યા હતા.

અમદાવાદમાં ત્રિપુરાને 146 રનમાં આઉટ કર્યા પછી ગુજરાતે ચાર વિકેટે 127 રન બનાવ્યા હતા. દિલ્હીમાં દિલ્હી સામે બરોડાએ એક વિકેટે 202 રન બનાવ્યા હતા. જ્યોત્સનીલ સિંહ 124 રને રમી રહ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button