આપણું ગુજરાત

સરકારના બજેટમાં પાણી માટેની પાણીદાર યોજનાઓ પાછળ ₹ ૧૧,૫૩૫ કરોડની જોગવાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રજૂ કરાયેલા બજેટમાં છેવાડાના માનવીને પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૧,૫૩૫ કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી હતી.

બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઈપલાઈન યોજનાનાં કામો ૪૧૧૮ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે તથા બીજા તબક્કામાં અંદાજિત ૨૨૫૫ કરોડની બે પાઈપલાઈનનાં કામો આયોજનમાં લીધેલા છે. આ કામો માટે ૨૭૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રનાં ૧૧૫ જળાશયો જોડવા માટેની સૌની યોજના બાકી રહેતી કામગીરી માટે ૪૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજિત ૭૧૧ કરોડના ખર્ચની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે ૨૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સાબરમતી નદી ઉપર સિરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત હીરપુરા, આંબોડ, માધવગઢ અને ફતેપુરા ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે ૧૬૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓનાં કામો માટે ૨૩૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સૌની યોજના હેઠળ બાકી રહેતા રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધરોઇ જળાશયને અંદાજિત ૧૬૦ કરોડના ખર્ચે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન છે. જેના માટે ૧૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજિત ૧૦૨૦ કરોડના ખર્ચની ઉકાઇ જળાશય આધારિત સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે ૧૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના પૂર્ણા, અંબિકા, કાવેરી, પાર, નાર, તાન, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો / બેરેજો / વિયર બનાવવા માટે ૧૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. જેના માટે ૧૧૬૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button