KYC UPDATE કરવાના નામે થાય છે ફ્રોડઃ જાણી લો RBIની મોટી ચેતવણી
નવી દિલ્હી: રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI)એ નાગરિકોને કેવાયસી અપડેટ (KYC UPDATE) કરવાના નામે ચાલી રહેલા ફ્રૉડ અંગે ચેતવણી આપી છે. કેવાયસી અપડેટ કરવાના નામે ફ્રૉડ ચાલી રહ્યા હોવાથી સતર્ક રહેવાની અપીલ આરબીઆઇએ નાગરિકોને કરી છે.
છેલ્લાં અમુક સમયમાં અનેક ગ્રાહકો આવા ફ્રૉડનો ભોગ બન્યા છે અને આ અંગેની અનેક ફરિયાદો આરબીઆઇને મળી છે, જેથી લોકો આ પ્રકારની છેતરપિંડીથી સાવધ રહે, એવી સલાહ આરબીઆઇએ ગ્રાહકોને આપી છે.
આવા મામલામાં ગ્રાહકોને સૌથી પહેલા ફોન, ટેક્સ્ટ અથવા ઇ-મેઇલ દ્વારા મેસેજ કરવામાં આવે છે. આમ કરીને ગ્રાહકો પાસેથી તેમની અંગત માહિતી મેળવવામાં આવે છે. આ સિવાય તેમની પાસેથી તેમના એકાઉન્ટની લોગ-ઇન ડિટેઇલ્સ માગવામાં આવે છે અથવા તો તેમને લિંક મોકલાવીને તેના પર ક્લીક કરવાનું કહી અન-ઑથોરાઇઝ્ડ અને અનવેરિફાઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે.
જો ગ્રાહક પોતે આપેલી સૂચનાઓ મુજબ ન કરતા હોય તો તેમને વાતોમાં ગૂંચવીને ઉતાવળ કરાવવામાં આવે છે અને એકાઉન્ટ બ્લોક થઇ જશે અથવા ફ્રીઝ થઇ જશે એમ કહીને ડરાવવામાં આવે છે. એક વખત ગ્રાહક પોતાની અંગત માહિતી અથવા લોગ-ઇન ડિટેઇલ્સ આપી દે તો પછી ફ્રૉડ કરનારને તેમના એકાઉન્ટનું એક્સેસ મળી જાય છે. જ્યારબાદ ફ્રૉડ આચરવામાં આવે છે. એટલે કે એકાઉન્ટમાંથી રકમની ઉચાપત કરવામાં આવે છે.
આરબીઆઇએ આ પ્રકારના આર્થિક ફ્રૉડના મામલામાં નાગરિકોને તાત્કાલિક ધોરણે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અથવા સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર તેની ફરિયાદ નોંધાવવાનું આહ્વાન કર્યું છે. નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેની ગાઇડલાઇન્સ પણ બહાર પાડી છે.