પિતાએ સોડિયમ નાઈટ્રેટ ભેળવેલું પીણું પીવડાવી પુત્રને મારી નાખ્યો
14 વર્ષના પુત્રના વર્તનથી કંટાળી ઘાતકી પગલું ભરનારા પિતાની ધરપકડ
પુણે: સોલાપુરમાં બનેલી આંચકાજનક ઘટનામાં 14 વર્ષના પુત્રના વર્તનથી નિરાશ અને રોષે ભરાયેલા પિતાએ સોડિયમ નાઈટ્રેટ ભેળવેલું ઠંડું પીણું પીવડાવી તેનો જીવ લીધો હતો. રસ્તાને કિનારેથી સગીરનો મૃતદેહ મળી આવ્યા પછી પોલીસે એડીઆર નોંધ્યો હતો, પરંતુ તપાસમાં હત્યાનો ખુલાસો થતાં પિતાની ધરપકડ કરી હતી.
આરોપી વિજય બટ્ટુ (43)એ દાવો કર્યો હતો કે પુત્ર વિશાલ બટ્ટુ તોફાની હતો અને વારંવાર શાળાથી તેની ફરિયાદો આવતી હતી. એ સિવાય ફોન પર તે વાંધાજનક વીડિયો જોતો હતો, અભ્યાસ કરતો નહોતો અને બહેન સાથે વારેઘડીએ ઝઘડા કરતો હતો, જેને પગલે આરોપી ગુસ્સે ભરાયો હતો, એવું જોધાવી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અજય જગતાપે જણાવ્યું હતું.
13 જાન્યુઆરીએ વિશાલ મોડી સાંજ સુધી ઘરે પાછો ન ફરતાં વિજય અને તેની પત્ની કીર્તિએ પુત્ર ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક વિશાલની શોધ હાથ ધરી હતી. એ જ રાતે તુળજાપુર નાકા નજીક રસ્તાને કિનારેથી વિશાલનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પ્રકરણે પોલીસે અગાઉ એડીઆર નોંધ્યો હતો. જોકે સગીરના મૃત અંગે શંકા જતાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકના પિતા વિજયનું વર્તન શંકાસ્પદ જણાયું હતું. પોલીસે તાબામાં લઈ પૂછપરછ કરતાં આખરે વિજયે ગુનો કબૂલ્યો હતો. સોડિયમ નાઈટ્રેટવાળું ઠંડું પીણું પીવડાવી પુત્રની હત્યા કર્યા બાદ મૃતદેહને તુળજાપુર નાકા નજીક રસ્તાને કિનારે છોડી દેવામાં આવ્યો હતો. આ પ્રકરણે વિજયની ધરપકડ કરવામાં આવી હોઈ કોર્ટે તેને પોલીસ કસ્ટડી ફટકારી હતી, એમ સિનિયર ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર કરણકોટે જણાવ્યું હતું. (પીટીઆઈ)