ગૅસગળતરને કારણે લાગેલી આગમાં નવ દાઝ્યા: ત્રણ ગંભીર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગૅસગળતરને કારણે લાગેલી આગમાં ચાર મહિલા સહિત નવ જણ દાઝ્યા હોવાની ઘટના ચેમ્બુર પરિસરમાં બની હતી. આ ઘટનામાં 50 ટકાથી વધુ દાઝેલા ત્રણ જણની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ચેમ્બુર પૂર્વમાં જૈન મંદિરની સામે સિદ્ધાર્થ કોલોની સ્થિત ચાલમાં બની હતી. ચાલના એક ઘરમાં રાંધણ ગૅસના સિલિન્ડરમાંથી લિકેજ થવાને કારણે આગ ફાટી નીકળી હતી.
આ ઘટનામાં યશોદા ગાયકવાડ (56), નર્મદા ગાયકવાડ (60), રમેશ ગાયકવાડ (56), સંગીતા ગાયકવાડ (55), જિતેન્દ્ર કાંબળે (46), શ્રેયશ સોનખાંબે (17), શ્રેયા ગાયકવાડ (40), વૃષભ ગાયકવાડ (23) અને સંદીપ જાધવ (42) દાઝ્યાં હતાં. દાઝેલાઓમાંથી છ જણને સારવાર માટે રાજાવાડી હૉસ્પિટલમાં, જ્યારે બાકીના ત્રણને સાયન, માણેક અને શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આગમાં યશોદા, નર્મદા અને રમેશ 50થી 60 ટકા દાઝ્યાં હોવાથી તેમની હાલત ગંભીર છે. સંદીપ જાધવને નજીવી ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ શતાબ્દી હૉસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી હતી. બાકીના જખમી લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન આગની માહિતી મળતાં એક ફાયર એન્જિન, જેટ્ટી અને એમ્બ્યુલન્સ સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ પંદરેક મિનિટમાં જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.