યુપીમાં પહેલીવાર મહિલા કમાન્ડો ટીમ તૈયાર થઈ રહી છે
આગ્રા: આપણે હંમેશા સ્પેશ્યલ કમાન્ડો અને સ્પેશ્યલ ફોર્સ કે પછી સ્પેશ્યલ ઓપરેશન ગૃપમાં કામ કરતા પુરુષોને જ જોયા છે. કારણકે અત્યાર સુધીમાં SOG (Special Operations Group)માં પુરુષોની જ ભર્તી કરવામાં આવી છે. પરંતુ યુપીમાં આગ્રા પોલીસે પહેલીવાર એવો પ્રયોગ કર્યો છે કે હવે મહિલા કમાન્ડોને ખાસ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવશે. અને તેના માટે આગ્રાની 245 મહિલા કોન્સ્ટેબલોને SOG (Special Operations Group)માં જોડાવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આગ્રામાં મહિલા SOG વિંગની રચના પણ કરવામાં આવશે. આ મહિલા કોન્સ્ટેબલોમાંથી 90 કોન્સ્ટેબલની પસંદગી કરીને SOG માટે તાલીમ આપવામાં આવશે. જેમાંથી સ્પેશિયલ 30 મહિલા કોન્સ્ટેબલને ખાસ કમાન્ડોની ટ્રેનિંગ આપવામાં આવશે.
આગ્રા પોલીસે પ્રથમ વખત આવો પ્રયોગ કર્યો છે જેમાં મહિલા કમાન્ડો પણ હવે સ્પેશિયલ ઓપરેશનોની કમાન સંભાળશે. આ માટે એક ACPના અંડરમાં ત્રણ મહિનાનો ટ્રેનિંગ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. એસીપીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ફક્ત પુરુષો જ સ્પેશ્યલ ઓપરેશનોનું નેતૃત્વ કરતા કે પછી રીઢા ગુનેગારોને પકડવા માટે જતા હતા. પરંતુ હવે સ્પેશ્યલ મહિલા ફોર્સ તૈયાર કરવામાં આવશે અને તે પણ આ રીતે જ ઓપરેશનો સંભાળશે. જેના માટે તેમને એક ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે. હવે મહિલાઓ પણ ભારે હથિયારો લઈને દુશ્મનો પર હુમલો કરતી જોવા મળશે. તેના માટે મહિલા કોન્સ્ટેબલોને હથિયારો ઉપાડીને દોડવાથી લઈને માર્શલ આર્ટની પણ તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્વબચાવ માટે અને બીજી અન્ય ખાસ તાલીમ પણ આપવામાં આવી રહી છે.
હાલમાં મહિલા પોલીસ કર્મચારીઓને આગ્રાના પોલીસ લાઇન ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં દરરોજ તાલીમ આપવામાં આવી રહી છે. મહિલા પોલીસને વધુ મજબૂત બનાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. માર્શલ આર્ટની તાલીમ આપવા માટે પણ ખાસ એ જ વ્યક્તિને બોલાવવામાં આવ્યા છે જે અગાઉ પોલીસો અને આર્મીમાં માર્શલ આર્ટની તાલીમ આપી ચૂક્યા છે. ખાસ બાબત એ છે કે આ પ્રશિક્ષિત મહિલા કમાન્ડોની હિંમત ઈમરજન્સીના સમયમાં જોવા મળશે. તેમજ આ મહિલા કમાન્ડોને આર્મી જેવો ગ્રીન યુનિફોર્મ આપવામાં આવશે, જે પોલીસ ટીમથી અલગ દેખાશે.