જય સિયારામઃ અયોધ્યમાં બનશે ગુજરાત ભવન, ગુજરાતમાં વિકસશે આ નવા પર્યટન સ્થળો
ગાંધીનગરઃ દેશના તમામ નાગરિકો અયોધ્યા જઈ રામલલ્લાના દર્શન કરવાની ઈચ્છા ધરાવે છે. ગુજરાતના નાગરિકોને અયોધ્યા ખાતે વિશેષ સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર અહીં ગુજરાત યાત્રી ભવન બનાવવાની જાહેરાત કરી છે. નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ માટે જમીન પણ ખરીદવામાં આવી છે અને કુલ 50 કરોડની ફાળવણીમાંથી રૂ. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે રાજ્યના મોટા શહેરોથી ડાયરેક્ટ ફ્લાઈટ અને ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય પર્યટનમાં હંમેશાં અગ્ર સ્થાને રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે વિવિધ જોગવાઈઓ કરી છે. જેમાં દ્વારકાનો શિવરાજો બિચ,નડા બેટ સોમનાથ, અંબાજી જેવા ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ રૂ. ૨૦૦ કરોડના કામ પ્રગતિ હેઠળ હોવાનું દેસાઈએ જણાવ્યું હતું. આ સાથે સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે રૂ. ૨૦૦ કરોડના આયોજન પૈકી રૂ. ૩૦ કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી હતી. નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે રૂ. ૧૪૫ કરોડના આયોજન પૈકી રૂ. ૪૦ કરોડની જોગવાઇ. અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે રૂ. ૧૭૦ કરોડના આયોજન પૈકી રૂ. ૪૫ કરોડની જોગવાઇ.
જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે રૂ. ૨૦૦ કરોડના આયોજન પૈકી રૂ. ૩૫ કરોડની જોગવાઇ.
ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ સહિતની ઘણી જોગવાઈ કરવામાં આવી છે.