સ્થાનિક પ્રવાસ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે
નવી દિલ્હી:કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં લક્ષદ્વીપ સહિત દેશના ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને અન્ય સુવિધાઓ માટેના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી. નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર, પ્રવાસનને પ્રોત્સાહન આપવાથી આ વિસ્તારોમાં રોજગારી વધારવામાં પણ મદદ મળશે.નાણા પ્રધાને લોકસભામાં જણાવ્યું હતું કે સ્થાનિક
પ્રવાસન પ્રત્યેના વધતા ઉત્સાહને ધ્યાનમાં રાખીને આપણા ટાપુઓ (જેમાં લક્ષદ્વીપનો સમાવેશ થાય છે) પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ માટેના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવશે. આનાથી રોજગારીનું સર્જન કરવામાં પણ મદદ મળશે. તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં પર્યટન માળખાને સુધારવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ સહયોગ આપશે.
નોંધનીય છે કે માલદીવ સાથે રાજદ્વારી વિવાદ બાદ ઘણા ભારતીયો લક્ષદ્વીપને વૈકલ્પિક સ્થળ તરીકે જોઈ રહ્યા છે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી અને ભારતીય ટાપુઓને પર્યટનના સ્થળ તરીકે વિકસાવવાનું સૂચન કર્યું હતું.
સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે ભારતીય મધ્યમ વર્ગ પણ હવે પ્રવાસ કરવાની ઇચ્છા ધરાવે છે. તેમણે કહ્યું કે આધ્યાત્મિક પ્રવાસન સહિત પ્રવાસન સ્થળોમાં સ્થાનિક વેપારીઓ માટે વિપુલ તકો છે. નાણા પ્રધાને કહ્યું હતું કે રાજ્યોને પ્રતિષ્ઠિત પર્યટન કેન્દ્રોના વ્યાપક વિકાસ, બ્રાન્ડિંગ અને વૈશ્ર્વિક સ્તરે તેનું માર્કેટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આવા વિકાસ માટે રાજ્યોને લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.