પદ્મ વિભૂષણથી સન્માનિતવૈજયંતિમાલાની વણ કહી વાતો
ફોકસ -કૈલાશ સિંહ
વૈજયંતિમાલા, જેમને આ વર્ષે પદ્મ વિભૂષણ (ભારત રત્ન પછીનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો હતો, તેને કોઈપણ એક કેટેગરીમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ કાર્ય છે. તેઓ જેટલા સારા નૃત્યાંગના છે તેટલાં જ સારાં અભિનેત્રી અને કર્ણાટક સંગીતના ગાયક છે અને તેમણે લોકસભા (૧૯૮૪-૯૧) અને રાજ્યસભા (૧૯૯૩-૯૯)ના સભ્ય અને સાંસદ તરીકે પણ ખૂબ સારું કામ કર્યું છે. જ્યાં એક તરફ વૈજયંતિમાલા હજુ પણ ચંદ્રમુખી (દેવદાસ) અને ધન્નો (ગંગા જમુના) ની ભૂમિકાઓ વડે સિને પ્રેમીઓના હૃદય અને દિમાગ પર પ્રભુત્વ ધરાવે છે, ત્યાં બીજી તરફ તેમણે ૯૦ વર્ષની ઉંમરે પણ નૃત્ય પ્રત્યેનો પોતાનો પ્રેમ જાળવી રાખ્યો છે. જોકે તેમને ‘દેવદાસ’ માટે ફિલ્મફેર દ્વારા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે પસંદ કરવામાં આવ્યાં હતાં, પરંતુ તેમણે આ એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેમણે પોતાની ભૂમિકા સુચિત્રા સેન (પારો) ની બરાબર ગણી હતી, પરંતુ આ સિવાય તેમને પાંચ ફિલ્મફેર એવોર્ડ અને બે બીએફજેએ (બંગાળ ફિલ્મ પત્રકાર સંઘ) પુરસ્કારો મળ્યા હતા. વૈજયંતિમાલાને ભરતનાટ્યમ માટે સંગીત નાટક ઍકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
૧૯૬૮માં તેમને ભારત સરકાર દ્વારા ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પણ આપવામાં આવ્યો હતો.
વૈજયંતિમાલા રમનનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૩૩ના રોજ પાર્થસારથી મંદિર નજીક, ટ્રિપ્લિકેન (મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ઈન્ડિયા), હાલનું થિરુવલ્લિકની, તમિલનાડુમાં એક તમિલ આયંગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા હતા મંડાયામઘાટી રમન અને માતા વસુંધરા દેવી, જે તમિલ સિનેમાની અગ્રણી અભિનેત્રી હતાં, જેમની ફિલ્મ ‘મંગામા સબથમ’ ૧૯૪૦ના દાયકામાં પ્રથમ તમિલ બ્લોકબસ્ટર હતી. પરંતુ વૈજયંતિમાલાનો ઉછેર તેમના દાદી યદુગીરી દેવીએ કર્યો હતો. માત્ર સાત વર્ષની ઉંમરે, વૈજયંતિમાલાને વેટિકન સિટીમાં પોપ પિયુસ-૧૨ સમક્ષ શાસ્ત્રીય ભારતીય નૃત્ય કરવા માટે પસંદ કરવામાં આવી હતી. ૧૯૪૦ની આ વાત છે અને આ કાર્યક્રમમાં તેમની માતા પણ હાજર હતી. સેક્રેડ હાર્ટ હાયર સેક્ધડરી સ્કૂલ, પ્રેઝન્ટેશન કાગિત, ચર્ચ પાર્ક, ચેન્નાઈની વિદ્યાર્થી વૈજયંતિમાલાએ ગુરુ વજુદૂર રામૈયા પિલ્લઈ પાસેથી ભરતનાટ્યમ અને મનાક્કલ સિદરાજા ઐયર પાસેથી કર્ણાટક સંગીત શીખ્યા.
દિગ્દર્શક એમ.વી. રમન ૧૯૪૯માં એવીએમ પ્રોડક્શનની ફિલ્મ ‘વઝાકઈ’ માટે નવા ચહેરાની શોધમાં હતા જ્યારે તેમણે વૈજયંતિમાલાને ચેન્નાઈના ગોખલે હોલમાં ભરતનાટ્યમ કરતા જોઈ. તેણે તરત જ વૈજયંતિમાલાને તેની ફિલ્મમાં કાસ્ટ કરવાનું નક્કી કર્યું, પરંતુ યદુગીરી દેવી તેના માટે તૈયાર નહોતા, કારણ કે તેને લાગ્યું કે તેની પૌત્રી ફિલ્મોમાં કામ કરવા માટે ખૂબ નાની છે અને તેના કારણે તેના ભણતર અને નૃત્યમાં પણ અવરોધ આવશે. પરંતુ એમ.વી.રમને તેમને મનાવી લીધા. ‘વઝાકઈ’ની સફળતાથી પ્રેરિત થઈને, રમને તેની હિન્દીમાં ‘બહાર’ (૧૯૫૧) નામથી રિમેક પણ બનાવી, જેમાં વૈજયંતિમાલાએ પોતાના સંવાદો બોલવા માટે હિન્દી પ્રચાર સભામાં હિન્દી શીખી. ‘બહાર’ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી અને એક અભિનેત્રી અને નૃત્યાંગના તરીકે, વૈજયંતિમાલા હિન્દી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી હતી, ખાસ કરીને ‘નાગિન’ પછી ૧૯૫૪ની તે સૌથી સફળ ફિલ્મ હતી. ‘નાગિન’નું ગીત ‘મન ડોલે, મેરા તન ડોલે’ આજે પણ લોકોના હોઠ પર છે.
જો કે, જ્યારે બીના રોય, સુરૈયા વગેરેએ ૧૯૫૫માં બિમલ રોયની ફિલ્મ ‘દેવદાસ’માં ચંદ્રમુખીનો રોલ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે વૈકલ્પિક અભાવને કારણે, આ ભૂમિકા વૈજયંતિમાલાને ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મના લેખક નબેન્દુ ઘોષના કહેવા પ્રમાણે, હું એ વાત સાથે સહમત ન હતો કે વૈજયંતિમાલાએ ચંદ્રમુખીનું પાત્ર ભજવવું જોઈએ, પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો, કારણ કે દરેક અભિનેત્રી પારોનો રોલ કરવા માગતી હતી, ચંદ્રમુખીનો રોલ કરવા કોઈ તૈયાર ન હતા, પરંતુ ચંદ્રમુખી (વૈજયંતિમાલા) એક નિરાશ પ્રેમી દેવદાસ (દિલીપ કુમાર)ના પ્રેમને એટલી સારી રીતે સમજતી હતી કે તેણે મુંબઈમાં પોતાની જાતને પ્રથમ હરોળની અભિનેત્રી તરીકે જ સ્થાપિત કરી, એટલુ જ નહીં તેને દિલીપ કુમાર સાથે વધુ આઠ ફિલ્મો કરવાની તક પણ મળી. ‘ગંગા જમુના’માં ધન્નો તરીકે ભોજપુરી બોલીને, તેણીએ ભારતીય સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં પોતાનું નામ કાયમ માટે નોંધાવી લીધું.
નિર્દેશક બી.આર. ચોપરા ૧૯૫૭માં નયા દૌર બનાવી રહ્યા હતા. આ ફિલ્મમાં મધુબાલા હતી, પરંતુ તેના પિતા અતાઉલ્લા ખાન તેને આઉટડોર શૂટિંગ માટે દિલીપ કુમાર સાથે ભોપાલ મોકલવા તૈયાર ન હતા. આ કેસ કોર્ટ સુધી પહોંચી ગયો. દિલીપ કુમારે બી.આર. ચોપરાની તરફેણમાં જુબાની આપી, પરિણામે દિલીપ કુમાર અને મધુબાલા વચ્ચેના સંબંધો કાયમ માટે બગડી ગયા અને મધુબાલાની જગ્યાએ વૈજયંતિમાલા માત્ર ફિલ્મ ‘નયા દૌર’માં એક ગામડાની છોકરી તરીકે જ ન આવી, પરંતુ દિલીપ કુમારના જીવનમાં પણ આવી. બંને વિશે ફિલ્મી સામયિકોમાં સાચું- ખોટું છપાવા લાગ્યું. એવું પણ છપાયું કે વૈજયંતિમાલા એ જ સાડી પહેરે છે જે દિલીપ કુમારે પોતે પસંદ કરી હોય. જોકે આ વાતોમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હકીકત એ છે કે સાયરા બાનુ વૈજયંતિમાલાને પોતાની મોટી બહેન માને છે અને તેમને અક્કી કહે છે. જોકે, ‘સંગમ’ના શૂટિંગ દરમિયાન વૈજયંતિમાલાનું નામ રાજ કપૂર સાથે જોડવામાં આવ્યું હતું, એવું પણ કહેવાતું હતું કે રાજ કપૂરને કારણે વૈજયંતિમાલા અને દિલીપ કુમાર વચ્ચેના સંબંધો એટલા બગડ્યા કે દિલીપ કુમારે તેને ‘રામ ઔર શ્યામ’માંથી કાઢીને મુમતાઝને લઈ લીધી, પરંતુ વૈજયંતિમાલાએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે રાજ કપૂર સાથે તેમનું નામ જોડવું એ ઉત્તર ભારતનાં અખબારોનો એક પબ્લિસિટી સ્ટંટ હતો અને તે ક્યારેય રાજ કપૂર સાથે સંબંધમાં નહોતી. બાય ધ વે, ૧૯૬૮માં વૈજયંતિમાલાએ પંજાબી હિંદુ આર્ય સમાજવાદી ડો. ચમનલાલ બાલી સાથે લગ્ન કર્યા, જેઓ પહેલેથી જ પરિણીત હતા. તેમને એક પુત્ર સુચિન્દ્ર બાલી છે. લગ્ન પછી વૈજયંતિમાલાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ તેમનો ડાન્સ હજુ પણ ચાલુ છે.