જ્યુથિકા રાય: આધુનિક મીરાંબાઈ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગ્લેમરથી જરા પણ અંજાયા વગર ભક્તિરસના ગીત ગાઈ આનંદ – સંતોષ મેળવનારાં અને આપનારાં બંગાળી ગાયિકાનું રામ ભજન યાદગાર છે
હેન્રી શાસ્ત્રી
૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ એ દિવસે સવારથી જ દેશભરમાં ભગવાન શ્રી રામ ગુંજતા હતા. કોઈ રામચરિત માનસની ચોપાઈ કે દોહા બોલી રહ્યું હતું તો ક્યાંક હનુમાન ચાલીસાના પાઠ સંભળાઈ રહ્યા હતા તો કોઈ રામ ભજનમાં લીન થઈ ગયા હતા. ભગવાન શ્રી રામના ભજનમાં ‘ચિત્રકૂટ કે ઘાટ, ઘાટ પે શબરી દેખે બાટ’ (સુરેશ વાડકર) સંભળાઈ રહ્યું હતું તો ક્યાંક ‘રોમ રોમ મેં બસનેવાલે રામ’ (આશા ભોસલે), રફી સાહેબનું બહુ ઓછું જાણીતું ‘મન કી આંખોં સે મૈં દેખું રૂપ સદા સિયારામ કા’ અને પંડિત ભીમસેન જોશી – લતા મંગેશકરના સ્વરમાં ‘રામ કા ગુણગાન કરીએ, રામ કી ભદ્રતા કા, સભ્યતા કા ધ્યાન ધરીએ’ (પંડિત ભીમસેન જોશી અને લતા મંગેશકર ) અલગ જ અનુભવ કરાવતા હતા. આ બધા ભજન વચ્ચે શ્રી રામનું એક ભજન ‘મૈં તો રામ રતન ધન પાયો’ કંઈક અલગ જ અનુભવ કરાવી રહ્યું હતું. એ ગીતની સ્વર રચના અને ગાયિકાના અવાજમાં રહેલો ભક્તિભાવ એ ભજનને વિશિષ્ટ બનાવી દે છે. મીરાંબાઈનું આ ભજન બંગાળનાં ગાયિકા જ્યુથિકા રાયએ ગાયું છે. બંગાળના વિદ્રોહી કવિ કાઝી નઝરુલ ઈસ્લામ અને આલા દરજજાના સંગીતકાર કમલ દાસગુપ્તાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અને આધુનિક મીરાંબાઈ તરીકે ઓળખ મેળવનારાં જ્યુથિકા રોયની સોમવાર, ૫ ફેબ્રુઆરીએ પુણ્યતિથિ છે. એ નિમિત્તે ફિલ્મના ગ્લેમરથી જરા પણ અંજાયા વિના મુખ્યત્વે મીરાના ભજન તેમજ કબીરના દોહા અને અન્ય ભક્તિભાવના તેમજ પ્રેમ ગીત હોળી અને વર્ષા ગીત ગાઈ ભાવકો માટે ભાથું બંધાવનાર આ વિસરાઈ ગયેલાં ગાયિકાના જીવનમાં એક ડોકિયું કરીએ.
એક મૂંઝવણ શરૂઆતમાં જ દૂર કરી દઈએ. લતા મંગેશકર અને ત્યારબાદ અન્ય ગાયકોએ પણ જેને સ્વર આપ્યો છે એ ભજન છે ‘પાયો જી મૈંને રામ રતન ધન પાયો’ અને જ્યુથિકાજીએ ગાયું છે એ ભજનની શરૂઆત ‘મૈં તો રામ રતન ધન પાયો’થી થાય છે. બંને ભજન મીરાંબાઈના જ છે પણ બંનેના શબ્દો અને સ્વર રચના અલગ છે. જ્યુથિકા રોયે આશરે ૩૫૦ ગીતો ગાયા છે જેમાંના મોટાભાગના હિન્દીમાં છે અને અન્ય બંગાળીમાં છે. તેમને ફિલ્મોમાં ગાવા માટે ભયંકર અરુચિ હતી. જોકે, તેમણે એક હિન્દી ફિલ્મ ‘રત્નદીપ’ (૧૯૫૧)માં બે ગીત ગાયા છે ખરા. એ બે ગીત છે મીરાંબાઈ રચિત ‘મૈં તો રામ રતન ધન પાયો’ અને ગીતકાર પંડિત મધુર લિખિત ‘પ્રીત કિયે દુ:ખ હોય, યે જાને સબ કોઈ, નેહા લગા કે પછતાના ક્યા’. રખે એવું માનવાની ભૂલ કરી બેસતા કે બહુ મોટું મહેનતાણું મળ્યું એટલે ફિલ્મના ગીતોને કંઠ આપ્યો. હકીકત એમ છે કે ફિલ્મ ડિરેક્ટર દેવકી બોઝ અને પંડિત મધુર સાથેના અંગત સંબંધોને કારણે તેમના આગ્રહને માન આપી તેમણે ‘રત્નદીપ’ માટે આ ગીત ગાયા હતા. એ સિવાય તેમણે ‘લલકાર’ (૧૯૪૪)માં ગીત ગાયા હોવાનો ઉલ્લેખ છે, પણ એને સમર્થન આપતી માહિતી ઉપલબ્ધ નથી.
કમનસીબ કહો કે દુર્ભાગ્ય કહો કે બીજું કોઈ વિશેષણ પણ જોડી શકાય, વસ્તુસ્થિતિ એ છે કે ‘પગ ઘુંઘરું બાંધી મીરા નાચી થી’ એ કિશોર કુમારના ગીત (ફિલ્મ નમકહલાલ – ગીતકાર અંજાન) આપણે વધુ સાંભળ્યું છે, જાણ્યું છે. મીરાંબાઈની પંક્તિઓનો ઉપયોગ કરી એક ટાઈમપાસ સોન્ગ તૈયાર થયું છે. મૂળ ભજનમાં પગમાં ઘુંઘરું બાંધી મીરાં બાઈ પ્રભુને સમર્પિત થઈ ગઈ છે. લોકો કહે છે કે એ પાગલ થઈ ગઈ છે, કુળનો નાશ કરનાર છે. રાણા વિષનો પ્યાલો મોકલે છે, પણ હસતા હસતા એ ઝેર ગટગટાવી જાય છે. મીરાના પ્રભુ તો અવિનાશી છે જે તેને સહજતાથી પ્રાપ્ત થયા છે. આવા અનન્ય ભક્તિભાવની રચના જ્યુથિકા રોયે મનમાં કૃષ્ણની છબી રાખીને ગાઈ હશે એમ એ તેમના કંઠે સાંભળ્યા પછી જરૂર કહી શકાય.
ગ્લેમરથી કાયમ બાર ગાઉનું છેટું રાખનારા જ્યુથિકા રાયના જીવન સાથે નાતો ધરાવતી અવિસ્મરણીય વાતો બે આંગળીના વેઢા વધી પડે એટલી જ છે. અલબત્ત જે છે એમાં તેમની ગાયકી કેટલી સમૃદ્ધ હતી એનો પરિચય જરૂર મળે છે. ૧૯૪૬માં કલકત્તાના હિંસાત્મક વાતાવરણમાં જ્યુથિકાજી ગાંધીજીને મળવા ગયાં હતાં. એ દિવસે ગાંધીજીને મૌન વ્રત હતું, પણ તેમણે લખાણથી વિચાર વિમર્શ કર્યો. ત્યારબાદ બાપુએ ગાયિકાના ભજન સાંભળ્યા અને પ્રાર્થના સભામાં તેમને સાથે લઈ ગયાં. એ દિવસે સભાનું સમાપન જ્યુથિકાજીના ભજન સાથે થયું હતું. વર્ષો પહેલા છપાયેલા એક લેખમાં ગાયિકાને ટાંકી જણાવવામાં આવ્યું હતું કે ‘મહાત્મા ગાંધી પુણે જેલમાં હતા ત્યારે મારા ભજન દરરોજ સાંભળતા હતા. દરરોજ સવારે મારા ભજનની રેકોર્ડ વગાડી પ્રાર્થના સભાની શરૂઆત કરતા હતા.’ આપણને આઝાદી મળી એ દિવસનો કિસ્સો પણ બહુમૂલ્ય છે. સંભવ છે કે ગાંધીજી સાથેની વાતચીતમાં નહેરુ જ્યુથિકા રોય અને એમના ભજન વિશે વાકેફ થયા હશે. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે પંડિત નહેરુએ પોતે ધ્વજ લહેરાવે ત્યાં સુધી સતત રેડિયો પર ગાતા રહેવાની વિનંતી ગાયિકાને કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરી જ્યુથિકા રાયએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાને કહેણ મોકલ્યું હતું કે તેઓ લાલ કિલ્લા પર પહોંચી તિરંગો ફરકાવે ત્યાં સુધી હું સતત રેડિયો પર ગાતી રહું. હું ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશને ગઈ અને એક પછી એક સાતથી આઠ ભજન ગાયા.’ એ સમયના આ બે માતબર સર્ટિફિકેટ સામે ગ્લેમરની દુનિયાના સેંકડો પ્રમાણપત્ર પાણી ભરે. મોરારજી દેસાઈ અને સરોજિની નાયડુ પણ તેમના ભજન સાંભળતા એવો ઉલ્લેખ છે.
ગોસિપ, વિવાદો વગેરેથી કાયમ જોજનો દૂર રહેલા જ્યુથિકા રાય આજીવન અવિવાહિત રહ્યાં હતાં. મુખ્યત્વે મીરા અને કબીરની રચનાઓથી મા સરસ્વતીની આરાધના કરનારા ગાયિકાને ૧૯૭૨માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વાજિંત્ર વિના ઓડિશન આપ્યું
મુખ્યત્વે ભક્તિભાવની રચનાને કંઠ આપનારા જ્યુથિકા રોયએ વર્ષાગીત અને પ્રેમગીત પણ ગાયા છે. ૧૦ વર્ષની ઉંમર પહેલાં તેમના ગીત રેકોર્ડ થઈ ગયા હતા. એમની પ્રતિભાનો પરિચય આપવા માટે એક કિસ્સો એકે હજારા જેવો છે. કલકત્તામાં ઓલ ઈન્ડિયા રેડિયો પર રવીન્દ્ર સંગીત માટે એક પણ વાજિંત્ર વિના ગીત રજૂ કરી ઓડિશન આપ્યું હતું અને તેમની પસંદગી થઈ હતી. એ સમય ન્યુ થિયેટર્સની બોલબાલાનો હતો અને પસંદગીના માપદંડ કેટલા ઊંચા હશે એ ફોડ પાડી કહેવાની જરૂર નથી. તમે સંગીતના ભાવક હો તો અહીં આપેલા ગીત જરૂર સાંભળજો (યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે) અને ગમે તો અન્ય સંગીતપ્રેમીઓને પણ જાણ કરજો. જ્યુથિકા રોયના યોગદાનની એક ઝલક.૧) મૈં તો રામ રતન ધન પાયો, ૨) પ્રીત કિયે દુ:ખ હોય, ૩) મેરી વીણા રો રહી હૈ, ૪) પગ ઘુંઘરું બાંધી મીરા નાચી રે, ૫) મને ચાકર રાખો જી, ૬) મૈં રામ નામ કી ચુડિયાં પેહનું, ૭) તૂ ચુપકે ચુપકે બોલ મૈના, ૮) તન મન પર મનહર ને રંગ દિયો ડાર, ૯) પ્રભુજી દરસ બિના દુ:ખના ના લાગે, ૧૦) રીમઝીમ બદરિયા બરસે.