કેન્દ્રીય બજેટમાંથી મુંબઈ રેલવેને શું મળ્યું, કેટલા કરોડની થઈ ફાળવણી?
મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 2024-25ના અંદાજપત્રમાં રેલવે, રોડ સહિત વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ત્યારે આર્થિક પાટનગર મુંબઈના રેલવેના વિવિધ પ્રોજેક્ટને ઝડપથી પાર પાડવા માટે મહત્ત્વનું ભંડોળ ફાળવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સ(એમયુટીપી) માટે 789 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. મુંબઈ ઉપનગરીય રેલવે માળખાના વિસ્તાર માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વનો છે.
નાણા પ્રધાન નિર્મલા સિતારમણે એમયુટીપીના બીજા તબક્કા માટે 100 કરોડ રૂપિયા તેમ જ ત્રીજા અને ચોથા તબક્કા માટે અનુક્રમે 300 કરોડ રૂપિયા અને 389 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું મુંબઈ વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ભંડોળની ફાળવણીના કારણે એમયુટીપીના કામને વેગ મળશે, એમ એમઆરવીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુભાષચંદ ગુપ્તાએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એમયુટીપી અંતર્ગત 17 સ્ટેશનના કામના તમામ કોન્ટ્રેક્ટ સંબંધિતોને સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પનવેલ-કર્જતનો નવો ઉપનગરીય કોરિડૉર પ્રોજેક્ટ તેમ જ વિરાર-દહાણુનું ક્વૉડ્રોપલિંગ(ચાર ટ્રેક તૈયાર કરવા)નું કામ સમયસર થઇ રહ્યું છે. કલ્યાણ-બદલાપુર ક્વૉડ્રોપલિંગ પ્રોજેક્ટ અને બોરીવલી-વિરાર વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ પણ જમીની ધોરણે શરૂ કરી દીધુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.