એકસ્ટ્રા અફેર

ભાજપે બજેટમાં લહાણી કરવાની જરૂર રહી નથી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણીને ગણીને ત્રણેક મહિના બાકી છે ત્યારે નાણાં નિર્મલ સીતારમણે નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કરી દીધું. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી વધારે ધ્યાન અપાયું છે, જ્યારે ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ માટે પણ ઠીક ઠીક જાહેરાતો છે. અલબત્ત આશા રખાતી હતી એવી કોઈ લહાણીઓ કરાઈ નથી. નિર્મલા સીતારામન લોકસભાની ચૂંટણીમાં મધ્યમ વર્ગને આકર્ષવા માટે ઈન્કમટેક્સના સ્લેબમાં છૂટ સહિતની લહાણીઓ કરશે એવી પણ સૌની ગણતરી હતી પણ એ ગણતરી સાચી ઠરી નથી.

લોકસભાની ચૂંટણી હોય એ પહેલાંનું બજેટ સંપૂર્ણ બજેટ નથી હોતું પણ વચગાળાનું બજેટ હોય છે. એવી પરંપરા છે કે જેથી નવી સરકાર આવે ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણેનું બજેટ બનાવીને વહીવટ ચલાવ શકે અને યોજનાઓ જાહેર કરી શકે. મોદી સરકાર પરંપરાઓ પાળવામાં નહીં પણ તોડવામાં માને છે તેથી આ વખતનું બજેટ વચગાળાનું નહીં પણ પૂર્ણ કક્ષાના બજેટ જેવું જ હશે એવી હવા ઊભી કરાયેલી પણ એવું થયું નથી. બધી અટકળો અને અંદાજોને બાજુ પર મૂકીને નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ જ રજૂ કર્યું છે કે જેમાં ઈન્કમટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરાયા નથી કે મતદારોને કોઈ એવી મોટી લહાણી કરાઈ નથી. નિર્મલા લાંબાં લાંબાં બજેટ પ્રવચનો આપવા માટે જાણીતાં છે અને આ પરંપરા પણ તેમણે આ વખતે જાળવી છે.

મધ્યમ વર્ગને ઘરનું ઘર બનાવવા માટે પ્રોત્સાહન મળે એ માટે આવાસ યોજના સહિતની કેટલીક જાહેરાતો કરાઈ છે પણ એ જાહેરાતો નવી નથી અને તેમાં કશું નક્કર પણ નથી. ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ નવાં ઘર બનાવવા માટેની યોજનામાં લોકોને સીધા વધારાના શું ફાયદા થશે એ સ્પષ્ટતા નથી તેથી આ જાહેરાત પણ એટલી આકર્ષક નથી.

મોદી સરકાર પહેલાં પણ મધ્યમ વર્ગને હોમ લોનના વ્યાજ દરમાં રૂપિયા ૨.૬૭ લાખની સબસિડી સહિતની યોજના ચલાવી ચૂકી છે એ જોતાં તેમાં કશું નવું નથી. વચ્ચે એ યોજના બંધ કરાયેલી પણ હવે ચૂંટણી આવી એટલે ફરી જાહેર કરાઈ પણ તેમાં લોકોનો ફાયદો જ છે તેથી તેના વિશે કોઈ ટીકાટીપ્પણી કરી શકાય તેમ નથી.

વાસ્તવમાં છેલ્લા કેટલાંક વરસોથી બજેટ તેનું મહત્ત્વ ગુમાવતું જાય છે ને તેનું કારણ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) છે. એક સમયે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા જાત જાતના ટેક્સ નાખવામાં આવતા ને રાજ્ય સરકારો પણ પોતાની રીતે અલગ અલગ પ્રકારના ટેક્સ નાંખી શકતી હતી. જીએસટીના કારણે ચીજવસ્તુઓ અને સેવાઓ પર આખા દેશમાં એક જ ટેક્સ લાગુ કરાય એ માળખું આવી ગયું છે.

આ માળખું સરખી રીતે કામ કરે ને રાજ્યોને ફરિયાદ ના રહે એ માટે જીએસટી કાઉન્સિલ બનાવાઈ છે. પહેલાં એવું બનતું કે કરવેરામાં ફેરફારના નિર્ણય બજેટમાં જ લેવાતા પણ હવે જીએસટી કાઉન્સિલની બેઠક વરસમાં ચાર વાર મળે છે ને કરવેરામાં ફેરફારો થતા રહે છે તેથી બજેટનો મુખ્ય ઉદ્દેશ હતો એ જતો રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ સહિતની થોડી ઘણી ચીજોને જીએસટીના દાયરામાંથી બહાર રખાઈ છે. તેમના પરના ટેક્સ અંગે પણ ગમે ત્યારે નિર્ણય લેવાય છે.

ઈન્કમટેક્સ. કોર્પોરેટ ટેક્સ સહિતના સીધા કરવેરા હજુય માત્ર કેન્દ્ર સકરકાર હસ્તક છે. આ ટેક્સમાં ફેરફારની જાહેરાત માત્ર ને માત્ર બજેટમાં કરાય છે તેથી એ એક જ આકર્ષણ રહ્યું છે. સરકાર લોકોને સીધો ફાયદો થાય એવી કોઈ યોજના જાહેર કરે તો નવું આકર્ષણ ઊભું થાય પણ વચગાળાના બજેટમાં એવી શક્યતા નહોતી. બાકી યોજનાઓ માટે નાણાંની ફાળવણી કે બીજી સરકારની વાહવાહી કરતી જાહેરાતોમાં લોકોને રસ પડતો નથી તેથી બજેટ હવે નિરસ બની ગયું છે.

નિર્મલા સીતારમણે બજેટમાં કોઈ મોટી જાહેરાતો કરવાનું ટાળ્યું તેનું એક કારણ એ પણ છે કે, ભાજપે મતદારોને આકર્ષવા માટે બહુ પ્રયત્નો કરવાની જરૂર જ નથી. અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના પગલે સમગ્ર દેશમાં હિંદુત્વમય માહોલ છે.

આ ઓછું હોય તેમ કાશીની જ્ઞાનવાપી મસ્જિદમાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર અપાયો તેના કારણે હિંદુત્વનો માહોલ વધારે મજબૂત બન્યો છે. મોદી સરકારના શાસનમાં હિંદુઓને માફક આવે એવા નિર્ણયો લેવાય છે એવી છાપ મજબૂત થતી જાય છે તેથી ભાજપની હિંદુવાદી મતબેંક પણ મજબૂત થઈ છે.

બીજું એ કે, વિપક્ષો એક નથી ને રાષ્ટ્રીય સ્તરે તો વિપક્ષો તરફથી ભાજપને કોઈ પડકાર જ નથી. જે પણ પડકાર છે એ પ્રાદેશિક પક્ષો તરફથી છે ને તેનાથી ભાજપને બહુ ફરક પડતો નથી. પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ. તેલંગાણા, આંધ્ર પ્રદેશ તમિલનાડુ વગેરે ગણ્યાંગાંઠ્યાં રાજ્યો એવાં છે કે જ્યાં હજુ ભાજપનો પ્રભાવ નથી. હજુ પણ પ્રાદેશિક પક્ષો હાવી છે પણ તેના કારણે સત્તાનાં સમીકરણો બદલાતાં નથી.

આ રાજ્યોમાંથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને એક પણ બેઠક ના મળે તો પણ ભાજપને કોઈ ફરક ના પડે. ભાજપને હરાવવા માટે કૉંગ્રેસનું મજબૂત થવું જરૂરી છે પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનાં પરિણામોએ સાબિત કર્યું છે કે, કૉંગ્રેસ ભાજપ સામે ટક્કર લઈ શકે એટલી મજબૂત નથી.

ભાજપ પાસે ઉત્તર પ્રદેશ અને બિહાર એ બે મોટા ગઢ છે કે જેના કાંગરા ખેરવવા પ્રાદેશિક પક્ષો માટે પણ શક્ય નથી. ઉત્તર પ્રદેશમાં એક સમયે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી મજબૂત વિપક્ષો મનાતા હતા. ભાજપને ટક્કર આપવાની તાકાત તેમનામાં હતી પણ યોગી આદિત્યનાથના હિંદુત્વના એજન્ડાએ તેમને પણ પાંગળ કરી દીધા છે.
બિહારમાં આરજેડી અને જેડીયુ ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં હતાં પણ નીતિશને ખેરવીને ભાજપે એ પડકાર પણ ખતમ કરી નાખ્યો છે. યુપીની ૮૦ અને બિહારની ૪૦ મળીને ૧૨૦ બેઠકોમાંથી ભાજપ ૧૦૦ કરતાં વધારે બેઠકો લઈ જાય એવી સ્થિતિમાં છે તેથી ભાજપને આ રાજ્યોમાં પણ ચિંતા નથી. ટૂંકમાં વિપક્ષો તરફથી કોઈ પડકાર નહીં હોવાથી પણ ભાજપ મુશ્તાક છે અને બજેટમાં કશું કર્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button