સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડનો નવો સ્પિનર કોણ છે અને ખાસ કયા કારણસર સિલેક્ટ કરવામાં આવ્યો છે?

વિશાખાપટ્ટનમ: મોટા ભાગે ફાસ્ટ બોલરો ઊંચા કદના હોય છે અને સ્પિનરોમાં ભાગ્યે જ કોઈની હાઇટ છ ફૂટથી વધુ હોય છે. ઇંગ્લૅન્ડે ખાસ ભારતના પ્રવાસ માટે સ્ક્વૉડમાં સિલેક્ટ કરેલો નવો સ્પિનર શોએબ બશીર ઊંચા કદનો સ્પિનર છે જે ભારતીય બૅટર્સને શુક્રવારે શરૂ થતી બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)માં મુસીબતમાં મૂકી શકે એમ છે.

20 વર્ષના બશીરની હાઇટ છ ફૂટ ચાર ઇંચ છે. 2003ની 13મી ઑક્ટોબરે સરે કાઉન્ટીમાં જન્મેલો બશીરની બોલિંગ-સ્ટાઇલ રાઇટ-આર્મ ઑફબ્રેક છે. તે ફક્ત છ ફર્સ્ટ-ક્લાસ કક્ષાની મૅચ રમ્યો છે જેમાં તેણે 10 વિકેટ લીધી છે.
બશીરની છ-પ્લસની ઊંચાઈની કારણે જ તેને વહેલો બ્રિટિશ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને ભારત સામે રમીને તે ડેબ્યૂ કરશે.

કૅપ્ટન બેન સ્ટૉક્સ સોશિયલ મીડિયા પરના વીડિયો ક્લિપ્સમાં બશીરની કાબેલિયત જોઈને પ્રભાવિત થયો હતો. ઍલિસ્ટર કૂક સામે બોલિંગ કરીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર બશીર વિશેની જાણકારીઓ મેળવીને સ્ટૉક્સે વ્હોટ્સ-ઍપ પર કોચ બ્રેન્ડન મૅક્લમ સુધી પહોંચાડી હતી અને ત્યાર પછી મૅક્લમે તાજેતરમાં યુએઇમાં અફઘાનિસ્તાન ‘એ’ સામેની મૅચમાં બશીરનો પર્ફોર્મન્સ જોઈને તેને ભારત લાવવાનું નક્કી કરી લીધું હતું. બશીર અફઘાનિસ્તાન ‘એ’ સામેની મૅચમાં છ વિકેટ લીધી હતી.

બશીરને હૈદરાબાદ ખાતેની પ્રથમ ટેસ્ટ પહેલાં વિઝાની સમસ્યાને કારણે ટીમ સાથે ભારત નહોતું આવવા મળ્યું. તે યુએઇથી ઇંગ્લૅન્ડ પાછો ગયો અને ત્યાં વિઝાનો પ્રૉબ્લેમ ઉકેલાયા બાદ ભારત આવ્યો છે.

દરમ્યાન, ઇંગ્લૅન્ડના ટીમ-મૅનેજમેન્ટે પીઢ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસનને પણ બીજી ટેસ્ટની ટીમમાં સમાવ્યો છે. તેને ટેસ્ટમાં 700મી વિકેટ માટે 10 શિકારની જરૂર છે. એ સાથે તે મુરલીધરન અને શેન વૉર્નની હરોળમાં આવી જશે.
ઍન્ડરસનની ભારતમાં 14મી ટેસ્ટ છે. એ સાથે તે ભારતમાં સૌથી વધુ ટેસ્ટ રમી ચૂકેલા ત્રીજા નંબરના બૅટર્સ કિથ ફ્લેચર, ગૉર્ડન ગ્રિનિજ, ક્લાઇવ લૉઇડ અને રિકી પૉન્ટિંગ સાથે જોડાઈ જશે. માત્ર રિચર્ડ્સ (15) અને ડેરેક અન્ડરવૂડ (16) તેમનાથી આગળ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button