ગાંધીધામના સોલ્ટ અન રોડલાઇન્સ સહિત ૨૬થી વધુ સ્થળોએ આવકવેરાના વ્યાપક દરોડા
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ:આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ થયેલા બજેટ પર ઉદ્યોગ જગત મીટ માંડીને બેઠું હતું તેવામાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની છલાંગ લગાવનારા સરહદી જિલ્લા કચ્છમાં આયકર વિભાગે ત્રીજું નેત્ર ખોલીને સર્વે કામગીરી હાથ ધરી છે જેમાં ગાંધીધામના બે જાણીતા ઉદ્યોગપતિઓ બાબુ હુંબલ અને દિનેશ ગુપ્તા, ઉપરાંત મહેશ ગુપ્તા અને સુરેશ ગુપ્તાને રડાર પર લઇ, બાબુ હુંબલના શ્રીરામ સોલ્ટ અને દિનેશ ગુપ્તાના કિરણ રોડલાઇન્સ નામની પેઢીઓ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત ૨૬થી વધારે સ્થાનોમાં આયકર વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે વીસેક જેટલી વિવિધ ટુકડીઓ દરોડા અને સર્વેની કામગીરીમાં જોતરાતાં ફાવી ગયેલા કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
કચ્છમાં સ્થિત અન્ય મીઠાના વેપારીઓને ત્યાં પણ આઈટીની કાર્યવાહી થઈ શકે છે તેવા અહેવાલોના લીધે કરોડોનું ટર્નઓવર ધરાવતા મીઠાના ધંધાથીઓ દોડતા થયા છે.ગુરુવારની વહેલી સવારથી શરૂ થયેલી આવકવેરા ખાતાની આ કાર્યવાહી બાબતે તંત્ર દ્વારા આ લખાય છે ત્યાં સુધી સત્તાવાર રીતે કોઈ વિગતો જાહેર કરાઈ નથી, જેના કારણે ક્યાંથી શું ‘બેનામી’ મળ્યું તેના સહિતની માહિતી બહાર આવવાની હાલ રાહ જોવામાં આવી રહી છે.અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ અથવા રાજકોટથી આવેલી ટુકડી દ્વારા પૂર્વ કચ્છના વ્યવસાયીઓનાં સ્થાનો પર સર્ચ આદરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગની કાર્યવાહીનો દોર રણપ્રદેશ કચ્છ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પહોંચ્યો હોવાની વિગતો પણ બહાર આવી છે.
દરમ્યાન, આવકવેરા વિભાગના આ ઓપરેશનમાં અમુક રાજકીય પક્ષ અને જાણીતા ઉદ્યોગગૃહો સાથે સંકળાયેલા વ્યવસાયીઓને પણ આવરી લેવામાં આવતાં મોટી માત્રામાં બેનામી હિસાબો બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.