આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ મહાનગરપાલિકાનું આજે રજૂ થશે બજેટ

કોઈ પ્રકારના કરવેરા વગરનું ચૂંટણીલક્ષી બજેટ રહેવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું બજેટ બીજી ફેબ્રુઆરી, ૨૦૨૪, શુક્રવારના જાહેર કરવામાં આવશે. પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલ પ્રશાસક તરીકે બીજી વખત બજેટ રજૂ કરશે. આગામી સમયમાં ચૂંટણી થવાની હોવાથી નવા નાણાકીય વર્ષમાં કોઈ પણ પ્રકારના કરવેરામાં વધારો કરવામાં આવે એવી શક્યતા જણાતી નથી. આ વખતનું બજેટ ૫૬,૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી.

ગયા આર્થિક વર્ષ ૨૦૨૩-૨૪માં પાલિકાએ ૫૨,૬૧૯ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં ૨૭,૨૪૭ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર ખર્ચવામાં આવ્યા હતા. આ વર્ષે તેમાં વધારો થવાની શક્યતા છે. આગામી સમયમાં ચૂંટણી થવાની હોવાથી પાલિકાના પ્રોજેક્ટ ગણાતા ડીપ ક્લિનિંગ ઝુંબેશ, મુંબઈ સુશોભીકરણ પ્રોજેક્ટ, રોડ કૉંક્રીટાઈઝેશન, ઓપન સ્પેસ પૉલિસી, મુંબઈ રેસકોર્સ થીમ પાર્ક, આપલા દવાખાના યોજના વગેરેેનું શ્રેય લેવાનો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પ્રયાસ કરી શકે છે અને તે માટે બજેટમાં આ પ્રોજેક્ટ પર વિશેષ ફાળવણી કરવામાં આવે એવી શક્યતા છે.

મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડ પૂર્ણતાને આરે છે, તો અન્ય ઘણા મોટા પ્રોજેક્ટ જેમાં દહિસર-ભાઈંદર લિંક રોડ, વર્સોવાથી દહિસર સુધીનો કોસ્ટલ રોડનો બીજો તબક્કો, રસ્તાનું કૉંક્રીટાઈઝેશન, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અપગ્રેડેશન, નવા પુલોના બાંધકામ વગેરે કામ ચાલી રહ્યા છે. તેથી આ તમામ પ્રોજેક્ટ માટે પણ નવા નાણાકીય વર્ષના બજેટમાં રકમ ફાળવવામાં આવી શકે છે.

એક અંદાજ મુજબ મુંબઈમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાના વિકાસ કામો ચાલી રહ્યાં છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાની આવકનો બીજો મહત્ત્વનો સ્ત્રોત ગણાતા પ્રોપર્ટી ટેક્સમાં ચાલુ નાણાકીય વર્ષમાં મોટો ફટકો પડ્યો છે. કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલવાના બાકી હોવાથી પાલિકાને આવક થઈ ન હોવાથી ખર્ચાને પહોંચી વળવું પડકારજનક સાબિત થવાનું છે. ખર્ચાને પહોંચી વળવા માટે પાલિકાને કદાચ પોતાની ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ કરે એવી શક્યતા છે. હાલ પાલિકા પાસે ૮૬,૪૦૧ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટની રકમ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button