સંયુક્ત કુટુંબ વ્યવસ્થા સમાપ્ત થઈ રહી છે : બોમ્બે હાઇ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટે સંયુક્ત કુટુંબ (જોઇન્ટ ફેમિલી) વ્યવસ્થા સમાપ્ત થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ વ્યવસ્થા સમાપ્ત થતાં વૃદ્ધોની યોગ્ય રીતે કાળજી લેવામાં આવતી નથી, એવામાં ઉંમરનું વધવું વૃદ્ધો માટે સામાજિક પડકાર બની જાય છે. તાજેતરમાં એક વિધવા માને તેના દીકરા અને પુત્રવધૂ દ્વારા ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યાં હોવાની ઘટના બની હતી.
આ કેસમાં ચુકાદો આપતા અદાલતે દીકરાને 15 દિવસની અંદર માતાનું ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે અદાલતે કહ્યું હતું કે એવા અનેક કિસ્સાઓ સાંભળીને એવો અનુભવ થાય છે કે દુનિયા આશીર્વાદ નથી કારણકે માણસ લોભના તળિયા વગરનો એક ખાડો છે. ભૌતિક વસ્તુઓ સિવાય પણ દુનિયામાં ઘણું બધું છે. માતા-પિતા પોતાનાં સંતાનોની સિદ્ધિઓ પર ગર્વ કરે છે, એવામાં સંતાનોએ માતા-પિતાની સંપત્તિ પર નજર ન રાખવી એ યોગ્ય નથી.
સિનિયર સિટીઝન મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા સપ્ટેમ્બર 2021માં પુત્રને તેની માતાનું ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને પડકારતી અરજી દીકરાએ બોમ્બે હાઇ કોર્ટમાં દાખલ કરી હતી. આ અરજીમાં તેણે દાવો કર્યો હતો કે આ ઘર તેનાં માતા-પિતાનું હોવાથી તેના પર તેનો જ અધિકાર છે.
આ અરજી અંગે કોર્ટે કહ્યું હતું કે માતા-પિતા જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી સંતાનો પ્રોપર્ટીનો કોઈપણ અધિકાર નથી કરી શકતા. દેશમાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા સમાપ્ત થઈ રહી છે જેથી વૃદ્ધોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. એક વૃદ્ધ વિધવા મહિલા એકલા જીવન જીવવા મજબૂર હોય છે. એવામાં પોતાનાં સંતાનો દ્વારા તેમનાં અસ્વીકાર કરવામાં આવતા તેમને મોટો આઘાત લાગે છે.
આ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે 2015માં એક મહિલાના પતિના મૃત્યુ બાદ તેના દીકરા તેને મળવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની માને હેરાન કરતાં વૃદ્ધ માતાએ પોતાનું ઘર છોડી તેના બીજા દીકરાના ઘરે ગઈ હતી. ત્યારબાદ આ મામલે પીડિત માએ તેના દીકરા અને તેની પત્નીની સામે ફરિયાદ કરી હતી.