નોર્વેમાં છેલ્લા ૩૦ વર્ષોનું સૌથી ભયંકર વાવાઝોડું ત્રાટક્યુંઃ ભારે તારાજી
કોપનહેગનઃ મધ્ય નોર્વેમાં છેલ્લા ૩૦ વર્ષોમાં સૌથી ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું. ગુરૂવારે ત્રાટકેલા વાવઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો અને વીજળી ગુલ થતા લોકો સફાળા જાગી ગયા હતા.
વાવાઝોડું ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવન સાથે સ્કેન્ડિનેવિયન દેશના ભાગો સાથે ટકરાયું હતું. નોર્વેના બીજા સૌથી મોટા શહેર બર્ગનની ઉત્તરપૂર્વમાં આવેલા એક નાનકડા અને મનોહર શહેર લાર્ડલની નજીક ૧૪ મુસાફરો સાથેની એક બસ રસ્તા પરથી ઉડી ગઇ હતી. જોકે કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી, એમ પોલીસે જણાવ્યું હતું.
કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને એરલાઇન્સ અને ફેરી ઓપરેટરોએ અસ્થાયી રૂપે સેવા સ્થગિત કરી દીધી હતી. બુધવારે અને ગુરૂવારે શાળાઓ, રસ્તાઓ, ટનલ અને પુલ બંધ હોવાના છૂટાછવાયા અહેવાલો મળ્યા હતા.
નોર્વેના હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ઇંગુન નામનું વાવાઝોડું ગુરૂવારે ઉત્તર તરફ આગળ વધતા પહેલા બુધવારે બપોરે મધ્ય નોર્વેમાં ઉતર્યું હતું. હવામાન સંસ્થાએ આર્કટિક પ્રદેશ માટે રેડ એલર્ટ જારી કર્યું હતું. પોલીસના અહેવાલ મુજબ નોર્ડલેન્ડ જિલ્લાના મોટા શહેર બોડોમાં એક હોટલની કેટલીક બારીઓ ઉડી ગઇ હતી.
વાવાઝોડાથી થયેલા નુકશાનની કિમંતનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, એમ આઇએફ ઇન્શ્યોરન્સના સિગ્મંડ ક્લેમેન્ટ્ઝે જણાવ્યું હતું. આ તોફાન ૧૯૯૨ના નવા વર્ષના વાવઝોડાની જેમ જ સમાન વિસ્તાર પર ત્રાટક્યું હતું, જે નોર્વેના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી તોફાનોમાનું એક હતું.