શાહપુરની આશ્રમશાળામાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર: ચાર સામે ગુનો
થાણે: શાહપુરની ખાનગી આશ્રમશાળામાં મધ્યાહ્ન ભોજન આરોગ્યા બાદ 100થી વધુ વિદ્યાર્થીને ખોરાકી ઝેરની અસર થતાં પોલીસે ચાર જણ સામે ગુરુવારે એફઆઈઆર નોંધ્યો હતો.
શાહપુર તહસીલદાર કોમલ ઠાકુરે જણાવ્યું હતું કે બુધવારે ખોરાકી ઝેરની અસર બાદ 48 છોકરીઓ સહિત 117 વિદ્યાર્થીને શાહપુર ઉપજિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.
આદિવાસી બાળકોને રહેવાસી અને ભણવાની સુવિધા ધરાવતી શાહપુર તાલુકાના ભાતસાઈ ખાતે આવેલી સંત ગાડગે મહારાજ પ્રાથમિક અને માધ્યમિક આશ્રમશાળામાં આ ઘટના બની હતી. શાળામાં એકથી 10ના ક્લાસીસમાં 290 વિદ્યાર્થી છે, જેમાંથી 168 વિદ્યાર્થી બુધવારે હાજર હતા. આ વિદ્યાર્થીઓને બહારથી લાવવામાં આવેલું ભોજન પીરસવામાં આવ્યું હતું, એમ ઠાકુરે જણાવ્યું હતું.
પુલાવ અને ગુલાબજાંબુ ખાધા પછી વિદ્યાર્થીઓને ઊલટી થવા લાગી હતી. તાત્કાલિક વિદ્યાર્થીઓને હૉસ્પિટલે લઈ જવાયા હતા. આ પ્રકરણે સ્કૂલ સુપરિન્ટેન્ડેન્ટ, પ્રાથમિક શાળાની પ્રિન્સિપાલ, માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ અને બહારથી ભોજન લઈ આવનારા પ્યૂન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જિલ્લા ગ્રામીણ ક્ધટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું.
કોમલ ઠાકુરના જણાવ્યા મુજબ 117 વિદ્યાર્થીમાંથી સાત વિદ્યાર્થિની હજુ સારવાર હેઠળ છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ભોજનનાં સૅમ્પલ તપાસ માટે લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. (પીટીઆઈ)