…પીએમ મોદી આ તારીખે મુંબઈ આવશે, મહત્ત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)ના કોસ્ટલ રોડ પ્રોજેકટના એક ભાગનું નવ ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે. મુંબઈના મરીન ડ્રાઇવથી વરલીને જોડતા આ કોસ્ટલ રોડનું ભૂમિપૂજન શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવ્યું હતું, પણ હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લોકસભાની ચૂંટણીને લઈને પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવા અંગે ઉતાવળ કરી રહી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
મીડિયાના અહેવાલ મુજબ કોસ્ટલ રોડના વરલીથી મરીન ડ્રાઇવના ભાગને ખુલ્લો મૂકવામાં આવવાનો છે. મરીન ડ્રાઇવના પ્રિન્સેસ સ્ટ્રીટથી બાન્દ્રા વરલી સી-લિન્કને જોડતા આ કોસ્ટલ રોડ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એક મહત્ત્વકાંક્ષી પ્રોજેકટ છે.
એક અધિકારીએ કહ્યું હતું કે કોસ્ટલ રોડને સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે આઠ વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ જ રોડને વીક-એન્ડમાં કામકાજ માટે બંધ રાખવામાં આવવાનો છે. કોસ્ટલ રોડ પર વાહનો પાસેથી 85 રૂપિયા ટોલ લેવામાં આવવાનો હતો, પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
મરીન ડ્રાઇવ-વરલીને જોડનારા કોસ્ટલ રોડનું નિર્માણ કરવા માટે કુલ 13,984 કરોડ રૂપિયાનો બજેટ આપવામાં આવ્યો હતો, જેમાંથી રૂ. 9,384 કરોડ રોડ અને ટનલમાં બાંધકામ માટે વાપરવામાં આવ્યા છે.
આ કુલ બજેટમાંથી બાકીની રકમનો ઉપયોગ રોડ અને ટનલમાં વહીવટી ખર્ચ, ભૌતિક માળખાકીય સુવિધાઓ, પાણી અને ગટરની વ્યવસ્થા, ખર્ચની આકસ્મિકતા, મેન્ટેનન્સ, મેન્ગ્રોવ્સ માટે વળતર અને માર્ગમાં આવતા ઘરોના સ્થળાંતર માટે કરવામાં આવ્યો છે. આ પ્રોજેટનું કામ 84 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું હોવાની માહિતી અધિકારીએ આપી હતી.