નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) ગુરુવારે આગામી નાણાકીય વર્ષ માટે સુધારાને આગળ વધારતું વચગાળાનું બજેટ રજૂ કર્યું. વચગાળાના બજેટમાં આવકવેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી પરંતુ અન્ય ક્ષેત્રોમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. બજેટ પછી PM નરેન્દ્ર મોદીએ તેને ‘વિકસિત ભારતના સ્વપ્નનું બજેટ’ ગણાવ્યું છે. લગભગ એક કલાક સુધી ચાલેલા નાણામંત્રીના ભાષણમાં મોદીની ગેરેન્ટીની ઝલક જોવા મળી હતી, પરંતુ આવકવેરામાં રાહતના સપના જોતા લોકોની આશાને ઝટકો લાગ્યો હતો.
એક કલાકથી પણ ઓછો સમય ચાલેલા પોતાના બજેટ ભાષણમાં તેને પાછલા 10 વર્ષમાં સરકારની તે ઉપલબ્ધીઓને સામે રાખી. જેમાં દેશ ‘નાજુક અર્થવ્યવસ્થા’ ની શ્રેણીમાંથી બહાર નીકળીને દુનિયાની પંચમી સૌથી મોટી ઈકોનોમી બન્યું છે.
ક્યાં ખાતાને શું મળ્યું તેના પર એક નજર કરીએ તો,
માર્ગ પરિવહન મંત્રાલય- નિતિન ગડકરીના આ મંત્રાલયના બજેટમાં આ વખતે વધારો કર્યો છે. દેશમાં કેટલીય જગ્યાએ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મહત્વના પ્રોજેક્ટ્સ ચાલી રહે છે. બજેટમાં આ મંત્રાલય માટે 2.78 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.
સંરક્ષણ મંત્રાલય- વર્ષ 2023-24 માટે સંરક્ષણ બજેટ 6.02 લાખ કરોડ રૂપિયા હતું. જે ગત નાણાકીય વર્ષ કરતાં 13 ટકા વધુ હતું. આ વખતે તે વધીને 6.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે કે 3.4 ટકાનો વધારો થયો છે.વચગાળાના બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંરક્ષણ પર કહ્યું કે, અમે નવી ડીપ-ટેક ટેક્નોલોજી લાવીશું. આત્મનિર્ભરતાને આગળ વધારશે.
જ્યારે રેલ મંત્રાલયની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2023માં રેલવે બજેટ 2.4 લાખ કરોડ રૂપિયા હતું. આ બજેટમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રેલવે મંત્રાલયને 2.55 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નાણામંત્રીએ ત્રણ મોટા રેલ્વે કોરિડોરની પણ જાહેરાત કરી હતી.નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે દેશમાં 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
ગ્રામીણ વિકાસ મંત્રાલય- ગ્રામીણ વિકાસ મંત્રાલયને 2023-24માં 1,57,545 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એટલે કે આ વખતે પણ આ મંત્રાલયના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. વચગાળાના બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને રૂ. 1.77 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.
ગ્રાહક બાબતો અને ખાદ્ય પ્રક્રિયા મંત્રાલય – દેશમાં પાયાના ગ્રાહક ચળવળને વેગ આપવા માટે ચોક્કસ વિભાગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, જુન 1997 માં એક અલગ વિભાગ તરીકે તેની રચના કરવામાં આવી હતી. વચગાળાના બજેટમાં, આ મંત્રાલયને 2.13 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
મહત્વનુ ગણી શકાય તેવાગૃહ મંત્રાલયની જો વાત કરવામાં આવે તો આ વખતે આ મંત્રાલયના બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં અમિત શાહની આગેવાની હેઠળના ગૃહ મંત્રાલયને 2.03 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 2023-24ના બજેટમાં ગૃહ મંત્રાલયને 1.96 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
વચગાળાના બજેટના વખાણ કરતા અમિત શાહે કહ્યું, ‘મોદી સરકારનું આ બજેટ પ્રવાસન ક્ષેત્રને નવી ઉર્જા આપવાનું કામ કરશે. બજેટમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના વિકાસ માટે રાજ્યોને પ્રોત્સાહનો અને લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે, જેનાથી પ્રવાસન ક્ષેત્રની અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.
આ સિવાય વિવિધ મંત્રાલયોના બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલયને 1.68 લાખ કરોડ રૂપિયા, સંચાર મંત્રાલયને 1.37 લાખ કરોડ રૂપિયા અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને 1.27 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.