પગ કાપવો પડશે એવો રિષભ પંતને ડર હતો
નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર રિષભ પંત પાછો મેદાન પર ઉતરશે એની હવે તો કાગડોળે રાહ જોવાઈ રહી છે, પણ એક વર્ષ પહેલાં તેની જે હાલત હતી એના પરથી તેને લાગતું હતું કે તે કદાચ ફરી ક્યારેય નહીં રમી શકે. પાછા રમવાનું તો ઠીક, પંતને ડર હતો કે ક્યાંક તેનો પગ ન કાપવો પડે તો સારું.
13 મહિના પહેલાં પંત પરિવારને મળવા દિલ્હીથી હોમ-ટાઉન રુડકી કારમાં જઈ રહ્યો હતો ત્યારે એક રસ્તા પરના ડિવાઇડર સાથે તેની કાર અથડાઈ હતી અને તેને ઘૂંટણ સહિત શરીરના અનેક ભાગોમાં ઈજા થઈ હતી. તેણે ઘૂંટણમાં સર્જરી કરાવવી પડી હતી.
ડિસેમ્બર, 2022માં બાંગ્લાદેશ સામે મીરપુરની બીજી ટેસ્ટમાં મૅચ-વિનિંગ પર્ફોર્મ કરીને પંત પાછો આવ્યો ત્યારે તેને આ અકસ્માત નડ્યો હતો.
પંતે સ્ટાર સ્પોર્ટ્સ ચૅનલ પરની ‘બિલીવ: ટૂ ડેથ ઍન્ડ બૅક’ સિરીઝ માટેની મુલાકાતમાં કહ્યું, ‘અકસ્માત પછી મને થયું કે મારો જમણો પગ ગયો. એ જમણી તરફ 180 ડિગ્રી ફરી ગયો હતો. મારી પાસે કોઈક ઊભું હતું એટલે મેં તેને વિનંતી કરી કે પ્લીઝ મારો જમણો પગ એની મૂળ સ્થિતિમાં લાવી આપો. તેણે મને મદદ કરી અને પછી મને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
મને ડર હતો કે ક્યાંક મારો આ પગ કપાવવો ન પડે તો સારું.’
પંતને ત્યારે રજત કુમાર અને નિશુ કુમાર નામના બે શખસે મદદ કરી હતી.
પંતના જમણા ઘૂંટણમાં તમામ ત્રણ લિગામેન્ટ રિક્ધસ્ટ્રક્ટ કરવામાં આવ્યા હતા. તેણે કહ્યું, ‘મારી ઈજા ખૂબ ગંભીર હતી એની તુલનામાં રિકવરી ખૂબ ઝડપથી થઈ છે. ડૉક્ટરે ત્યારે જ મને કહ્યું હતું કે સાજા થતાં મને 16થી 18 મહિના લાગશે. જોકે મેં તેમને કહેલું કે તમે ભલે મને ગમે એ ટાઇમલાઇન આપો, હું છ મહિના વહેલો સાજો થઈ જઈશ.’
26 વર્ષના પંતે 2021ની બ્રિસ્બેન ટેસ્ટમાં મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું હતું.