‘Zuckerberg’, તમારા હાથ લોહીથી ખરડાયેલા છે’, યુએસ સેનેટે સોશિયલ મીડિયા કંપનીઓની પૂછપરછ હાથ ધરી
વોશિંગ્ટન: સોશિયલ મીડિયા કંપનીઓના અલગોરિધમ અને પોલિસીઓના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલી ગંભીર અસર સામે યુએસ સેનેટે મહત્વની કામગીરી કરી છે. બુધવારે વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં સેનેટ ન્યાયિક સમિતિ સમક્ષ યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીના માલિકોની પૂછપરછ શરૂ કરી. તેમણે મેટાના ચેર પર્સન માર્ક ઝકરબર્ગને કહ્યું, ‘તમે અને અમારી સામે ઊભેલી અન્ય કંપનીઓના હાથ લોહીથી ખરડાયેલા છે. હું જાણું છું કે તમે આવું ઇચ્છતા ન હતા, પરંતુ તમે એવી વસ્તુઓ બનાવી છે જે લોકોની હત્યા કરે છે.’
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિક કંપની મેટા ઉપરાંત ટિક-ટોક, એક્સ, ડિસ્કોર્ડ અને સ્નેપચેટના ટોચના પદાધિકારીઓ સેનેટમાં હાજર થયા હતા. સેનેટ કમિટી ઓનલાઈન માધ્યમો દ્વારા શોષણ, જાતીય અપરાધો અને બાળકોની માનસિક સ્થિતિને ખલેલ પહોંચાડવાના મામલામાં આ કંપનીઓની પૂછપરછ કરી રહી છે.
ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે સુનાવણી શરૂ થઈ હતી. જ્યારે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ હોલમાં આવ્યા, ત્યારે સેનેટમાં હાજર રહેલા ઘણા માતા-પિતાએ આત્મહત્યા કરી ચૂકેલા તેમના બાળકોના ફોટોગ્રાફ્સ સામે રાખ્યા હતા. તેમના નિવેદન દરમિયાન પણ ઘણા લોકોએ આકરા શબ્દોમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
કંપનીઓ પર આરોપ છે કે સોશિયલ મીડિયાને કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે, તેમને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવામાં આવે છે અને શોષણનો શિકાર બનાવવાના ફીચર્સનો સમાવેશ કરીને જાણીજોઈને બાળકોની સુરક્ષાને જોખમમાં આવે છે.
સાંસદ ડિક ડરબિને કહ્યું કે, 2013માં અમેરિકામાં સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઈટેડ ચિલ્ડ્રનને ઈન્ટરનેટ પર બાળ જાતીય અપરાધો સાથે સંબંધિત સામગ્રી વિશે દરરોજ 1,380 ફરિયાદો મળતી હતી, આજે આ સંખ્યા એક લાખ સુધી પહોંચી ગઈ છે.
માર્ક ઝકરબર્ગે બચાવમાં દલીલ કરી હતી કે સોશિયલ મીડિયા અને કિશોરવયના બાળકોના માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકે તેવો કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ થયો નથી. તેમણે દાવો કર્યો હતો કે, Metaની એપ ટીનેજર્સ પર સકારાત્મક અસર કરે છે. જણાવ્યું હતું કે, કંપનીએ તેમને સુરક્ષિત બનાવવા અને રાત્રે લોગ ઓફ કરવા જેવી નવી સુવિધાઓ ઉમેરવા માટે 5 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.
ઝકરબર્ગે મૃત બાળકોના માતા-પિતા માટે સમર્થન વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિવાજનોએ તેને સખત રીતે નકારી કાઢ્યો. સાંસદોના પ્રશ્નો વચ્ચે ઝકરબર્ગે કહ્યું કે મેટાની બાળકો માટે ઇન્સ્ટાગ્રામ લાવવાની યોજના હતી, પરંતુ તે રદ કરવામાં આવી છે.