વેપાર

ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો

મુંબઈ: આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના વચગાળાના અંદાજપત્રની રજૂઆત પૂર્વે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ટ્રેડરોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું. વધુમાં આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ફેડરલની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી ડૉલર સામે રૂપિયો સાધારણ છ પૈસાના સુધારા સાથે ૮૩.૦૪ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૦ના બંધ સામે ૮૩.૧૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૨ અને ઉપરમાં ૮૩.૦૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે છ પૈસા વધીને ૮૩.૦૪ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલા અનુક્રમે ૬૧૨.૨૧ પૉઈન્ટ અને ૨૦૩.૬૦ પૉઈન્ટના સુધારા ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૦૩ ટકા ઘટીને બેરલદીઠ ૮૨.૦૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૦ ટકા વધીને ૧૦૩.૪૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૯૭૦.૫૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button