જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની મોટી જીત
૩૧ વર્ષ બાદ વ્યાસજીના ભોંયરામાં પૂજા- પાઠની મંજૂરી
વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીની જિલ્લા અદાલતે બુધવારે જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે કહ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્ર્વેશની અદાલતે ભોંયરામાં વ્યાસજીના પૌત્ર શૈલેન્દ્ર પાઠકને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશે પોતાના આદેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટને વ્યાસજીના ભોંયરામાં સ્થિત મૂર્તિઓની પૂજા અને રાગ ભોગની વ્યવસ્થા શૈલેન્દ્ર અને કાશી વિશ્વનાથ ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયેલા પૂજારી પાસેથી સાત દિવસની અંદર કરવાનો આદેશ આપ્યો હતો. યાદવે જણાવ્યું કે પૂજા કરાવવાનું કામ કાશી વિશ્ર્વનાથ ટ્રસ્ટ કરશે. જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાની સામે બેઠેલા નંદી મહારાજની સામે બેરીકેટીંગ હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવશે.
હિન્દુ પક્ષના વકીલના જણાવ્યા અનુસાર, વ્યાસજીના ભોંયરામાં જવાની પરવાનગી આપવામાં આવી છે. વ્યાસ પરિવાર હવે ભોંયરામાં પૂજા કરશે. હિન્દુ પક્ષે વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી માગી હતી. સોમનાથ વ્યાસનો પરિવાર ૧૯૯૩ સુધી ભોંયરામાં પૂજા કરતો હતો.
૧૯૯૩ પછી તત્કાલીન રાજ્ય સરકારના આદેશ પર ભોંયરામાં પૂજા કરવાનું બંધ કરવામાં આવ્યું હતું. ૧૭ જાન્યુઆરીના રોજ, વ્યાસજીના ભોંયરાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કબજો લેવામાં આવ્યો હતો. એએસઆઇ સર્વે ઓપરેશન દરમિયાન ભોંયરામાં સફાઈ કરવામાં આવી હતી. કાશી વિશ્ર્વનાથ ટ્રસ્ટ હેઠળના ભોંયરામાં પૂજા કરવામાં આવશે. જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા કરાવવાનું કામ કાશી વિશ્ર્વનાથ ટ્રસ્ટ કરશે.
હિન્દુ પક્ષે કહ્યું હતું કે નવેમ્બર ૧૯૯૩ સુધી સોમનાથ વ્યાસજીનો પરિવાર તે ભોંયરામાં પૂજા કરતો હતો, જે તત્કાલીન મુલાયમ સિંહ યાદવ સરકારના શાસન દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું અને હવે હિન્દુઓને ફરીથી ત્યાં પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ.
મુસ્લિમ પક્ષે આના પર વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે વ્યાસજીનું ભોંયરું મસ્જિદનો એક ભાગ છે, તેથી ત્યાં પૂજા કરવાની મંજૂરી આપી શકાય નહીં.