પુરુષ

આ ઊગતા સૂર્યના દેશની યુવાન પેઢી કેમ આજે આથમી રહી છે…?

‘નીહોની યોકોસો’ થી ‘સાયોનારા’ એટલે કે ‘આવો’ થી ‘આવજો’ સુધીના આ જાપાન દેશમાં વધી રહેલી વૃદ્ધોની સંખ્યા એને એક અણધારી કટોકટી
તરફ ધકેલી રહી છે…

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

યુગોથી આ કામઢો દેશ હવે જે ઝડપથી સૌથી વધુ વૃદ્ધોનો દેશ બની રહ્યો છે એની કોઈની કલ્પના પણ નહોતી. બીજા વિશ્ર્વ યુદ્ધમાં આ દેશે જે ખુવારી વેઠવી પડી એ અકલ્પનીય હતી અને એ આકરા આર્થિક ફટકામાંથી બેઠા થવાની ક્ષમતા પણ સતત કાર્યશીલ અને આગવી નિષ્ઠા ધરાવતા આ બાટકી-ઠીંગુ પ્રજામાં જ હતી. આ એમના DNAમાં છે – આ એમનાં અનુવાંશિક ગુણ છે એટલે પછડાટ ખાધા પછી આ જાપાનીઓ ભોંય પણ પડી નથી રહેતા -પેલા કરોળિયાની જેમ ફરી ઊભા થઈ જાય છે. આ એમની જન્મજાત તાસિર છે.

સતત જહેમત કરીને એ વખતની રાષ્ટ્રવાદી યુવાનોની પેઢી દેશને આર્થિક સંકટમાંથી ખડો તો કરી દીધો,પણ એ વખતે કોઈને ખ્યાલ આવ્યો એ રીતે ફાંટાબાજ કુદરત એમની સાથે કપટ રમી ગઈ . બહુ પાછળથી જાપાની પ્રજાને સમજાયું કે એમનું વૃદ્ધતત્વ પાછળ ઠેલાતું હતું . એમની શારીરિક ચુસ્તી યથાવત હતી. એમની આવરદા લંબાતી રહી,પણ નવી પેઢી પેદા કરી શકાય એવી પ્રજોત્પતિની એમની કુદરતી ક્ષમતા બહુ ઝડપથી ઘટી રહી હતી… !

સમસ્ત સિનારિયો એવો ઘડાયો હતો કે સતત કામ કરતા આધેડ કે વૃદ્ધ નિવૃત્તિ લઈ શકે એમ નહોતા, કારણ કે એમની જ્ગ્યા લઈ શકે એવી યુવાપેઢી હતી જ નહીં… આ ઉપરાંત, નિવૃત્તિ માટે કોઈ જ નાણાકીય વ્યવસ્થા નહોતી. સરકાર કે કંપની પાસે વધતા જતાં નિવૃત્તોને મદદરૂપ થઈ શકે એવી કોઈ જ આર્થિક ગોઠવણનો સદંતર અભાવ હતો એટલે આર્થિક કટોકટીના ભયે વૃદ્ધો સ્વેચ્છાથી રિટાયર જ નહોતા થતા!

છેલ્લાંમાં છેલ્લાં ૨૦૨૨-૨૩ના સર્વે મુજબ ૨૬% જાપાની પ્રજાની સરેરાશ વય ૬૫ની છે અને આ આયુની ટકાવારી પણ વધી રહી છે અને આવી જ સ્થિતિ રહી તો ૨૦૩૦ સુધીમાં તો પ્રત્યેક ત્રણ જાપાનીમાંથી ૧ની વય ૬૫ વર્ષ અને પ્રત્યેક પાંચમાંથી એક જાપાની ૭૫ વર્ષનો થઈ જશે… બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આજે ૧૦ જાપાનીમાંથી ૧ની આયુ ૮૩ની છે (સ્ત્રીની સરેરાશ આયુ ૮૮ વર્ષ ! ) ટૂંક સમયમાં જાપાન વિશ્ર્વના સૌથી વૃદ્ધ દેશમાં પલટાઈ જશે..!

એક જમાનો એવો હતો , જ્યારે જાપાનમાં ‘બેબી બૂમ’ સર્જાયું હતું. ૧૯૪૭થી ૧૯૪૯ વચ્ચે જન્મોદર -જન્મનું પ્રમાણ ધાર્યા કરતાં વધી ગયું હતું… પરંતુ એ પછી ન જાણે કેમ , જાપાનીઓનાં વળતાં પાણી થયા. એક તરફ વસતિ ઘટતી ગઈ તો બીજી તરફ સરેરાશ જાપાની પ્રજાની આવરદા વધતી ગઈ અને આમ, જન્મ-મૃત્યુના દરમાં અસમાનતા સર્જાતા આ સમસ્યા વકરતી ગઈ… ૨૦૦૯થી આ વસતિ ઘટવાની શરૂ થઈ ત્યારે ૧૨ કરોડ ૮૬ લાખ હતી,જે આજે ઘટીને આજની તારીખે ૨૦૨૪ ના જાન્યુઆરીમાં ૧૨ કરોડ ૨૬ લાખ થઈ ગઈ છે…

જાપાનની આ ઘટતી જતી વસતિની આંકડાજાળમાંથી બહાર આવીએ,કારણ કે જાપાની પ્રજા માટે હવે એ માત્ર આંક્ડાની રમત નથી રહી. એના હવે ગંભીર આર્થિક અને સામાજિક પ્રત્યાઘાત પડી રહ્યા છે. વધતી જતી આયુની સામે સતત જન્મદર ઘટી રહ્યો હોવાથી આજે વૃદ્ધોની જગ્યા લઈ શકે એવી યુવા પેઢીની અહીં કમી છે. આની સીધી અસર દેશના આર્થિક તંત્ર પર પડે છે . આર્થિક ક્ષેત્રે સુકાન સંભાળી શકે એવા યુવાનો ઓછા હોવાથી વિશ્ર્વના અર્થતંત્રમાં ત્રીજું સ્થાન ધરાવતો આ દેશમાં ઝડપથી એનું સ્થાન ગુમાવી દે એવી કટોકટી સર્જાઈ છે.

આવી સ્થિતિ – પરિસ્થિતિમાં જાપાનના મોટા મોટા ઉદ્યોગો ધરાવતા ઘરાનાઓમાં એક નવા જ પ્રકારની ચિંતા પેઠી છે. એમનાં વેપાર – ઉદ્યોગ આગળ ચલાવી-ધપાવી શકે-એને વિકસાવી શકે એવા વારસદારોની યુવા પેઢીની જબરી અછત છે. આજે જબરું પ્રોફિટ કરી રહેલા આ ઉદ્યોગોના માલિકો સરેરાશ ૬૨ વર્ષની વયના છે. એમને નિવૃત્ત થવું છે, પરંતુ એના વારસદારોને કાં તો એમના બાપકીય ઉદ્યોગ-ધંધામાં રસ નથી -કાં તો હજુ વારસદાર હજુ એ જવાબદારી સંભાળવા માટે નાના છે. એમની નવી પેઢીને સલાહ આપી શકે એવા અનુભવી સિનિયર કર્મચારીઓની સરેરાશ વય પણ ૫૫ વર્ષની છે. જોઈતા ઉત્તરાધિકારી નહીં મળે તો આશરે ૬ લાખથી વધુ બિઝનેસ બંધ પડી જશે પરિણામે ૧૪-૧૫ લાખ કરોડની ખોટ જવાની પૂરી શક્યતા છે અને આ વેપાર-ધંધા મંદ પડીને બંધ પડે તો ૬૩-૬૫ લાખ લોકો રોજગાર ગુમાવી શકે…!

યોગ્ય વારસદાર નહીં મળે તો કેટલાક મોટા ઉદ્યોગપતિઓ એમના વેપાર-ધંધા આટોપી લેવાની દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે ૬૦ % ધંધા-ઉદ્યોગનું ભાવિ અનિશ્ર્ચિત છે. આમ કરતાં એમને સમજાવીને અટકાવવા માટે જાપાની સરકાર પણ ઉપાય કરી રહી છે. આવી કટોકટી ટાળવા યુદ્ધના ધોરણે સરકારે જાપાનના ઔદ્યોગિક શહેરોમાં ‘માર્ગદર્શક એજન્સી’ શરૂ કરી છે,જે બિઝનેસ સંભાળી શકે એવા લાયક લોકો-કારભારીઓને શોધીને ઉદ્યોગપતિઓને સૂચવી રહી છે, જેથી એમનો
ધીક્તો કારોબાર ચાલુ રહે.

આવી આર્થિક કટોકટી વચ્ચે જાપાની સરકારે બીજા મોરચે પણ લડી લેવા માટે કમર કસી છે. એ છે જાપાનની ઘટતી જતી વસતિ… આધુનિક તબીબી ક્ષેત્રે અવનવી શોધ-પ્રયોગો દ્વારા જાપાનને એની પ્રજાનું આરોગ્ય વધુ બહેતર બનાવ્યું છે. એમની વય-આવરદા પણ વધારી છે, પણ અત્યારે તો નવી પેઢી પેદા કરી શકાય એવી પ્રજોત્પતિ માટેના તબીબી ઉપાયો શોધીને કામે લગાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આના માટે એક ‘આઉટ ઓફ ધ બોકસ’ કહી શકાય એવો નવતર પ્રયોગ જાપાન સરકારે શરૂ કર્યો છે. ત્યાંના ટોકિયો – ઓસાકા જેવાં મહાનગરોમાં લોકોની ‘ભીડ’ વધી રહી છે. આવાં શહેરોમાં બાળકો -યુવાનો કરતાં મોટી વયના લોકોની વસતિ વધી રહી છે. એ દબાણ ઓછું કરવા સરકારે શહેરોમાં વસતા યુવાનો જો એમના પરિવાર સાથે કોઈ પણ ગ્રામીણ વિસ્તારમાં સ્થળાંતર કરીને વસી જાય તો એમને બાળક દીઠ ૭૦૦૦ ડોલર અર્થાત્ આપણા આશરે ૬ લાખ ૫૦ હજાર રૂપિયા ભથ્થું આપી રહી છે. આ ઉપરાંત બીજી સુવિધાઓ પણ ખરી.
લોકો શહેરથી સ્થળાંતર કરીને ગામમાં વસે તો એની પાછળ સરકારી વિચારધારા એ છે કે શહેરની સરખામણીમાં ગામમાં મનોરંજનનાં સાધન-સુવિધા ઓછી હોવાથી યુવાનો એમનું લગ્નજીવન વધુ આત્મીયતાથી માણશે – વધુ સંતાન પેદા થશે ને સરવાળે દેશમાં જોઈતો વસતિ વધારો થશે…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button