લાડકી

ટીનએજ ને કારકિર્દીનાં એ વર્ષ… કેરિયર માટે ક્યારે સિરિયસ થવું એનું ‘જ્ઞાન’ તરુણ -તરુણીને કયારે આપવું?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

ફેબ્રુઆરી એટલે લગ્નગાળાનો અને શુભ પ્રસંગો માટેનો સમય સાથોસાથ પરીક્ષાઓનો પણ ખરો જ… ટીનએજર માટે આ પાર કે પેલે પાર. એકબાજુ ઘરમાં વડીલોના ‘વાંચો-વાંચો’ના બૂમબરાડા તો બીજી તરફ, સ્પિકર પર ચાલતા ધૂમધડાકા… ‘ટીનએજરનું મન તો એ તરફ જ ખેંચાવાનું, જ્યાં આનંદ-પ્રમોદ, મોજમજા ને મનોરંજન હોય એટલે ચિંતા ઓછી…’ કહી સુરભી-સ્નેહા તો બીજી વાતોએ વળગ્યા, પણ આ તરફ આનલ-અનોલી તો સાચ્ચે આના કારણે જ કેરિયરનાં વર્ષોનો અમૂલ્ય સમય વેડફી રહ્યા હતા. બોર્ડની પરીક્ષા આડે હવે માત્ર ગણતરીના દિવસો બચ્યા હતા ત્યારે આખું વર્ષ રખડી ખાનારા પણ ચોપડીમાં મોં ઘાલી પડ્યા હોય છે, પણ જેના પર ખૂબ સારા માર્ક્સ સ્કોર કરવાની અપેક્ષા ચારેકોરથી હતી એવા આનલ-અનોલી બિન્દાસ્ત ભણવા સિવાયની એ દરેક પ્રવૃત્તિ કરી રહ્યા હતા, જે જરાય જરૂરી ન હતી. ….
‘આવું કઈ રીતે બને? ’ સ્નેહાના મનમાંથી આ વાત કોઈ હિસાબે ખસતી નહોતી એટલે વિહા ઘરે આવી કે તુરંત એણે ગોસીપ શરૂ કરી :
‘હેં, વિહુ, આ બંને બહેન ભણવામાં બહુ હોંશિયાર છે, પણ કંઈ વાંચતી હોય એવું લાગતું નથી! એની મમ્મી તો સોસાયટીમાં બધાને કહેતી ફરે છે કે મારી દીકરીઓ જિનિયસ છે…’
જો કે સ્નેહાની આ વાતોમાં વિહાને જોઈએ એવો રસ ના પડયો એટલે સ્નેહાએ વાત પરાણે આટોપી લેવી પડી. પહેલા સુરભી પછી વિહા કોઈ જગ્યાએ આનલ-અનોલી વિશેની ગોસિપની દાળ ગળી નહીં. એમાં અચાનક જ એને નીલા આંટી મળી ગયાં. આમ તો ઉંમરમાં ખૂબ મોટા હતાં. એક શાળામાં શિક્ષિકા હતાં. દીકરો-દીકરી બંને પરણીને નોકરી અર્થે બીજી જગ્યાએ સ્થાયી થયેલાં. એ પોતે ખૂબ ચીવટવાળા, અતિ હોંશિયાર, પણ એક જ ખરાબ ટેવ બીજા લોકોનું જીવન પોતાનાં કરતાં અનિયમિત છે-અસ્તવ્યસ્ત છે-અવ્યવસ્થિત છે એવું સાબિત કરવાની તાલાવેલી એમને હંમેશાં રહેતી એટલે આનલ-અનોલીની વાતો તો નીલાઆંટીને સૌથી વધારે ખબર હતી. સ્નેહાએ જરીક રસ દાખવ્યો એટલે આંટીએ પણ પોતાની પાસે હતો એટલો ઈન્ફોર્મેશનનો ભંડાર ખોલી નાખ્યો… એ બંને બહેનોમાંથી એક ને પણ સાચી રીતે ભણવામાં કોઈ જ રસ નહોતો.

જીવનમાં અભાવ એટલે શું એ પણ જાણતા નહીં… પાણી માગે તો દૂધ હાજર થતું. ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી નહોતું કોઈ દબાણ એટલે માત્ર જાતને સાબિત કરવાની તાલાવેલી હતી જે એ બહેનોને અત્યાર સુધી ભણતરમાં રસ લાવતી કરેલી. જો કે, ટીનએજમાં પહોંચ્યા બાદ અન્ય વાતો તરફ એવું ધ્યાન ફંટાયું કે ભણતર સાવ બાજુ પર રહી ગયું….’ નિ:સાસો નાખતા આંટીએ વાત આગળ વધારી: ‘જો કે, સ્નેહા… આમેય ટીનએજ એવી ઉંમર છે કે જેમાં બાળક આડે રસ્તે ચડતા વાર નથી લગાડતું. એને જિંદગીની હકીકત કરતાં પોતાના શમણાનાં રંગ વધારે ગમતા હોય છે. માટે જ ક્યારેક ખૂબ અગત્યના કેરિયરનાં વર્ષો દરમિયાન ટીનએજર્સ પોતાના ધ્યેય પરથી ભટકી જતા જોવા મળે છે. આવા સમયે માતા-પિતાએ એમને ટકોર ના કરતા એમની સાથે સમજપૂર્વક વર્તવું ખૂબ જરૂરી છે. આ ઉંમરે એમને સમજણ બોલીને નહીં આપી શકાય, કારણ કે ટીનએજ દરમિયાન તમે બોલશો એ સમજવા માટે એનું મન બિલકુલ તૈયાર નહીં હોય એટલે સાથે રહી એમને પ્રેક્ટિકલ દુનિયા બતાવવી ખૂબ જરૂરી છે…

ટીનએજર માટે સ્કૂલ પણ ઘણા બધા કાઉન્સેલિંગ સેશન યોજે છે-સેમિનાર પણ હોય છે. પરીક્ષા લક્ષી સેમિનાર હોય કે કેરિયર ગ્રોથ માટે આ બધી વસ્તુને જ્યાં સુધી ટીનએજ માઈન્ડ સ્વીકારશે નહીં ત્યાં સુધી તદ્દન નકામું છે…’

અહીં નીલાઆંટી થોભ્યા એટલે સ્નેહાએ પૂછી લીધું : ‘હવે સવાલ એ છે કે તમે જે કહેવા માગો છો એ ટીનએજર્સના દિમાગમાં બરાબર બેસે -સાચું લાગે એના માટે શું કરવું?’
નીલાઆંટીએ હકારમાં ડોકું ડોલાવી સ્નેહાના જવાબરૂપે ઉમેર્યું : વેલ, તરૂણાવસ્થા શરૂ થાય ત્યારથી જ એની કેરિયરના વર્ષ આવશે. એ વખતે તમારે આ વાત એને સતત કહેતા રહેવી કે તમે યુવાન થતાં જશો ત્યારે ઘણી બધી વાત વસ્તુ તમારું ધ્યાન બીજી તરફ ફંટાવશે-એમનાં તરફ, આકર્ષિત કરશે, પણ તમારી મંઝિલ પરથી તમારે ડગવાનું નથી… તમારાં લક્ષ્યને- ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે બધું જ કરી છૂટવાનું છે…

આવું વારંવાર કહેવાની સાથે એને જો આ પ્રકારનો માહોલ આપવામાં આવી તો એ ચોક્કસપણે પોતાની કેરિયર પ્રત્યે સભાન બનશે… હા, ઘરમાં દરેક લોકો મોજમજા કરે, લગ્નોમાં જાય, પાર્ટી કરે, સતત ટીવી જુવે કે ફોનમાં વ્યસ્ત રહે તો પછી એ તરૂણ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે કે એ માત્ર બેસીને ભણ્યા જ કરે તો એ દરેક ટીનએજર માટે શક્ય નથી…
‘બીજી તરફ, આનલ-અનોલીના ઘરમાં ભણતરને સપોર્ટ મળી રહે તે પ્રકારનું કોઈ જ વાતાવરણ નથી હોતું. એમને એવી કોઈ જરૂરિયાત પણ નથી કે ભણવું એમને માટે જરૂરી બને… સમજી, સ્નેહા?’
નીલાઆંટીએ પૂછેલા આ છેલ્લા સવાલનો જવાબ સ્નેહાને એવો આપવો હતો કે ‘ના, મને કશું નથી સમજાયું…’ પછી એને થયું કે સુરભીની માફક દરેક સામે પોતાની અવઢવ કે પ્રશ્ર્નો જાહેર કરવા જરૂરી નથી એટલે હકારમાં માથું ધૂણાવી: ચાલોને, આપણે શું? એ તો હવે પરીક્ષા પછી પરિણામ આવ્યે જ ખબર! કહીને સ્નેહા પેલા નીલા આંટીથી છૂટ્ટી પડી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…