સારાભાઈ પરિવાર: એક અવિસ્મરણિય ઈતિહાસ
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૨)
નામ: મૃદુલા સારાભાઈ
સ્થળ: ૩૧ રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-૨૧
સમય: ૧૯૭૪
ઉંમર: ૬૨ વર્ષ
સારાભાઈ પરિવાર એ સમયે પણ અમદાવાદમાં એમના સ્વતંત્ર વિચારો અને ભિન્ન જીવનશૈલી માટે જાણીતો હતો. આજે પણ અમે સાતેય ભાઈ-બહેનોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં પોતપોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. આનું મુખ્ય કારણ એ છે કે, અમને સૌને અમારા વિચાર અને વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવાની પૂરેપૂરી તક અને સ્વતંત્રતા આપવામાં આવી. મારા પિતાએ કોઈ દિવસ પોતાના વિચારો અમારા પર થોપવાનો પ્રયાસ કર્યો નથી, કે ન મારી મા સરલાદેવીએ દીકરા અને દીકરીના ઉછેરમાં કોઈ ભેદભાવનો અમને અનુભવ થવા દીધો. હું સૌથી મોટી. મેં અમારી ઘરની શાળામાં ‘વિનીત’ સુધીનું શિક્ષણ લીધું. એ પછી મારા પિતાએ મને તમામ વિકલ્પો ખોલી આપ્યા. મુંબઈમાં ભણવા માટે નાથીબાઈ ઠાકરશી યુનિવર્સિટીથી શરૂ કરીને ઈંગ્લેન્ડ સુધી હું જ્યાં અને જે ભણવા માગું એ માટે મારા પિતા તૈયાર હતા. મેં એમને કહ્યું કે, હું વિચાર કરીને જવાબ આપીશ. લાંબુ વિચાર્યા પછી મને સમજાયું કે, મારે જો મહાત્મા ગાંધી સાથે જોડાવું હોય તો ગુજરાતમાં અને અમદાવાદમાં જ રહેવું જોઈએ. મેં જે દિવસે મારા પિતાને આ વાત જણાવી એ દિવસે એમણે પૂરા ઉત્સાહ અને સ્નેહ સાથે મને મારા જીવનનો પથ પસંદ કરવાની પરવાનગી આપી. મેં ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ લીધો. મારા કાકાના દીકરી ઈન્દુમતી ચીમનલાલ પણ એ વખતે મારી સાથે ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતાં. એમના પિતા શેઠ ચીમનલાલ નગીનદાસનું અવસાન બહુ નાની ઉંમરે થયું. એમના માતા માણેકબેને ઈન્દુમતીબેન અને વસુબેનને ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણાવ્યાં, પરંતુ અસહકારના આંદોલનમાં ઈન્દુમતીબેન પણ મારી જેમ જ ગાંધી રંગે રંગાયાં. એ વખતે એ મેટ્રિકની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યાં હતાં. મારા પિતાએ એમને સમજાવ્યાં અને કહ્યું કે, મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી ચળવળમાં જોડાવું જોઈએ. ઈન્દુમતીબેને વાત માની અને મેટ્રિકની પરીક્ષામાં એમને ‘ચેટફિલ્ડ’ પારિતોષિક પ્રાપ્ત થયું. એ પછી ઈન્દુમતીબેન ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતાં હતાં ત્યારે હું પણ એ વિદ્યાપીઠમાં દાખલ થઈ. ગૂજરાત વિદ્યાપીઠમાં આચાર્ય કૃપલાની, રામનારાયણ વિ. પાઠક, ગિદવાણીજી, સ્વામિ આનંદ, મહાત્મા ગાંધી અને ટાગોર જેવા મહાન વ્યક્તિઓ પાસે અમે શિક્ષણ પામ્યા. ઈન્દુમતીબેન ઘણાખરા અંશે મારાં આદર્શ રહ્યાં કારણ કે, એમણે પણ મહાત્મા ગાંધીના વિચારો સાથે સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સ્વતંત્રતા માટે કામ કરવાનું શરૂ કર્યું.
સારાભાઈ પરિવારની કથા બહુ રસપ્રદ છે. સારાભાઈ એક નામ છે, અટક નથી. અમારા વડવા મગનભાઈને બાળક નહોતા એટલે એમણે એમના દોહિત્ર સારાભાઈને દત્તક લીધા. મગનભાઈનું મૃત્યુ થયું ત્યારે સારાભાઈ ૧૮ વર્ષના નહોતા. એમને કોઈ અનુભવ નહોતો જેને કારણે મગનભાઈની વિશાળ સંપત્તિ અને એમના વ્યાપારનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. સર જમશેદજી જીજીભોઈ, ચીનુભાઈ બેરોનેટ અને શેઠ ઉમંગ હઠીસિંગની રાહબરી હેઠળ એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. એ ત્રણેય જણાંએ વ્યાપારની અને સંપત્તિની કાળજી રાખી. રણછોડલાલ છોટાલાલની મિલ સારી ચાલવા લાગી ત્યારે ૧૮૭૬માં કેલિકો પ્રિન્ટિંગ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી, એનું ધ્યાન પણ સર જમશેદજી જીજીભોઈ અને સર બેરોનેટ રાખતા. ૧૮૮૧માં સારાભાઈ મેટ્રિક પાસ થયા એ પછી આગળ અભ્યાસ કરવાને બદલે એમણે વ્યાપારમાં ધ્યાન આપવું જોઈએ એવી ત્રણેય ટ્રસ્ટીઓની સલાહને કારણે
એમણે વ્યાપાર સંભાળી લીધો. સુરતના એક વ્યાપારી ઉત્તમરામ, જેમણે કરાંચીથી
આવીને સુરતમાં પોતાનું કામ શરૂ કર્યું હતું. એમની ત્રણ દીકરીઓમાંની મોટી દીકરી ગોદાવરી-જે અંગ્રેજી શાળામાં ભણી હતી અને જેને પૂર્ણ સ્વતંત્ર વિચારોથી ઉછેરવામાં આવી હતી એની સાથે સારાભાઈના લગ્ન થયાં. લગ્ન પહેલાં સારાભાઈ અને ગોદાવરીને એકલાં મળવા દેવામાં આવ્યાં. સારાભાઈએ ગોદાવરીને પૂછ્યું, ‘આ લગ્ન તમારી ઈચ્છાથી થાય છે.’ ગોદાવરીએ ‘હા’ પાડી પછી જ સારાભાઈએ લગ્ન કરવાની પરવાનગી આપી.
૨૮ વર્ષની ઉંમરે કાશ્મીરના પ્રવાસ દરમિયાન એમને ડિસેન્ટ્રી (લૂઝ મોશન) થઈ જતાં સારાભાઈનું મૃત્યુ થયું, પરંતુ ૨૮ વર્ષની નાનકડી ઉંમરે એમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પોતાના મેમ્બર તરીકે સેવા આપી કેલિકો મિલને એક નવો આકાર આપ્યો અને મગનભાઈ ક્ધયા શાળાના સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવીને એમણે પોતાના વીલમાં ખૂબ મોટી રકમ જરૂરિયાતમંદ લોકો માટે ફાળવી હતી. સારાભાઈના મૃત્યુના ત્રણ મહિના પછી ગોદાવરીબાનું મૃત્યુ થયું. ૯ વર્ષની ઉંમરનાં અનસૂયા, પાંચ વર્ષના અંબાલાલ અને એથી નાની કાંતા, અનાથ થયાં. કાકા ચીમનભાઈએ એમના ઉછેરની જવાબદારી લીધી. પોતાના પિતાના ઉત્તમ કાર્યો અને સુવાસને યાદ રાખવા અંબાલાલભાઈએ અટક તરીકે પિતાનું નામ અપનાવવાનો પ્રયત્ન કર્યો. અંબાલાલભાઈના કાકા ચીમનભાઈ ૧૯૦૮માં ગુજરી ગયા ત્યારે અંબાલાલભાઈ ૧૮ વર્ષના હતા. એમણે ૧૮ વર્ષની ઉંમરે પારિવારિક વ્યવસાય સંભાળી લીધો અને નાની ઉંમરમાં જ બધી જવાબદારી પોતાના ખભે લઈ લીધી. હિરાલાલ ગોસલિયાની દીકરી રેવાની લગ્ન માટેનો પ્રસ્તાવ જ્યારે આવ્યો ત્યારે અંબાલાલે જોયું કે, રાજકોટમાં રહેતા હોવા છતાં એના પિતા હિરાલાલ ગોસલિયા પાશ્ચાત્ય જીવનશૈલી સાથે જીવતા હતા. રેવા સૌથી મોટી હતી, એમની માતાનું મૃત્યુ નાની ઉંમરે થયું હોવાને કારણે રેવા ઘર-પરિવારની જવાબદારી સંભાળી શકે એમ હતી. પરિવાર અને ભાઈ-બહેનોની જવાબદારી સાથે રેવાએ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લીધું હતું. અંબાલાલભાઈએ આ ઓફર સ્વીકારી. સામે પોતાની નાની બેન કાંતાનાં પણ લગ્ન થવાં જોઈએ, એ વિચાર સાથે એમણે ઈંગ્લેન્ડમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ભણેલા અને વડોદરા કલાભવનના પ્રિન્સિપાલ તરીકે કામ કરતા એક યુવાન સાથે એમનાં લગ્ન કરાવ્યાં. મોટી બેન અનસૂયાનાં લગ્ન ત્યાં સુધીમાં પીડાદાયક અને પારિવારિક સમસ્યા બની ચૂક્યાં હતાં. ૧૨ વર્ષની ઉંમરે થયેલા આ લગ્નમાંથી બેનને છોડાવવા માટે અંબાલાલે એને ચૂપચાપ ઈંગ્લેન્ડ મોકલી આપી. એ મેડિકલ ભણવા જાય છે-એવા બહાના હેઠળ અનસૂયા ઈંગ્લેન્ડ પહોંચી ગઈ. કાંતાનાં લગ્ન પણ ખૂબ પીડાદાયક અને દુ:ખદાયક પૂરવાર થયાં. બંને બહેનોનાં લગ્નમાં ઊભી થયેલી સમસ્યાને કારણે અંબાલાલભાઈએ નક્કી કર્યું કે, જીવનમાં કોઈના લગ્નમાં સલાહ આપવી નહીં, જે એમણે જીવનભર પાળ્યું. પોતાના સંતાનોનાં લગ્નમાં પણ એમણે કદી સલાહ આપી નહીં.
રેવાનું નામ લગ્ન પછી સરલાદેવી કરવામાં આવ્યું. ૧૯૧૧માં એમને ત્યાં પહેલી દીકરીનો જન્મ થયો. હું! મૃદુલા સારાભાઈ.
અત્યાર સુધી અમદાવાદના શહેર વિસ્તારમાં રહેતા આ પરિવારને હવે મોટા ઘરની જરૂર જણાઈ. ૧૬૧૮માં બાદશાહ જહાંગીરે શાહી નિવાસ બાંધવા માટે તૈયાર કરેલા અનેક બગીચાઓ સાથેના વિસ્તાર ‘શાહીબાગ’માં અંબાલાલભાઈએ બંગલામાં રહેવાનું નક્કી કર્યું. આ બંગલો એમના કાકા ચીમનભાઈએ બનાવેલો. જેનું નામ ‘રિટ્રીટ’ આપવામાં આવ્યું. ૧૯ એકરમાં ફેલાયેલો આ બંગલો ૧૯૦૪માં બનાવવામાં આવેલો. જે ટાગોરના નિવાસ ‘ઉત્તરાયન’ પરથી પ્રેરણા લઈને ડિઝાઈન કરવામાં આવ્યો. ગ્રીક અને યુરોપિયન સ્થાપત્યની અસર નીચે અહીં સુંદર શિલ્પો હતા. રોઝ ગાર્ડન, ઓર્ગેનિક શાકભાજી માટેનો બગીચો અને નર્સરી હતા. જંગલોને એમ જ રાખવામાં આવ્યા જેમાં, અનેક પક્ષીઓ અને પાલતુ પશુઓને લાવીને વસાવવામાં આવ્યાં. આ એક સુંદર અભયારણ્ય પણ હતું.
થોડા સમય પછી મારા પિતા અંબાલાલભાઈને ઈંગ્લેન્ડ ભણવા જવાની ઈચ્છા થઈ. મારી મા સરલાદેવી અને મારી સાથે એમણે ઈંગ્લેન્ડમાં રહેવાનું નક્કી કર્યું. મારી બેન ભારતીનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો. થોડો વખત ઈંગ્લેન્ડ રહ્યા પછી બે ઈંગ્લિશ ગવર્નેસ સાથે મારાં માતા-પિતા પાછા ફર્યા. વિક્રમ, ગૌતમ પણ એ પછી જન્મ્યા. એ પછી સુહૃદ અને લીનાનો જન્મ. એ પછી ગીતા અને ગિરા સૌથી છેલ્લી.
મારાં માતા-પિતાએ બે બાળકો સાથે પહેલાં ઈંગ્લેન્ડમાં નિવાસ કર્યો. ૧૯૧૨માં કઝીન બેન નિર્મલા, એના ફિયોંસે બકુલભાઈ, પત્ની સરલાદેવી અને દીકરી મૃદુલા (હું) સાથે એ ઈંગ્લેન્ડ ગયા. સંપૂર્ણ વેજિટેરિયન ભોજન જમતા, પરંતુ ઈંગ્લિશ રસોઈયો, ડ્રાઈવર અને બે માળનું મકાન એમણે ત્યાં ભાડે રાખ્યું. મારાં ફોઈ અનસૂયા પણ એમની સાથે રહેવા આવી ગયાં. અંબાલાલભાઈનું ભણતર પૂરું થયા પછી એમને લાગ્યું કે, એમણે પાછા આવવું જોઈએ. એ ભારત પાછા ફર્યા અને અનસૂયાબેન ઈંગ્લેન્ડમાં જ રોકાયાં.
એ પછી એમણે મુંબઈ નિવાસ કરવાનું નક્કી કર્યું કારણ કે, અમદાવાદનું વાતાવરણ એમને થોડું રૂઢિચુસ્ત અને જૂનવાણી લાગવા માંડ્યું. મરિન ડ્રાઈવ પર મેલ્ડન હાઉસ નામનું ત્રણ માળનું બિલ્ડિંગ ખરીદીને એમણે ત્યાં રહેવાનું શરૂ કર્યું. મુંબઈની પાશ્ચાત્ય અને આધુનિક જીવનશૈલીમાં થોડો વખત રહ્યા પછી એમને લાગ્યું કે, એ મુંબઈમાં ગોઠવાઈ નહીં શકે.
અમદાવાદનું ઘર ‘શાંતિસદન’ નાનું હતું, એમણે અમદાવાદ આવીને શાહીબાગમાં આવેલા એમના કાકાએ બંધાવેલા મકાન ‘રિટ્રીટ’ને નિવાસસ્થાન તરીકે પસંદ કર્યું, એ પછી વર્ષો સુધી સારાભાઈ પરિવારનો નિવાસ ‘રિટ્રીટ’માં જ રહ્યો.
(ક્રમશ:)