વારાણસીની મસ્જિદ પર પણ મંદિર બની જશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સુખરૂપ રીતે સંપન્ન થયા પછી હવે હિંદુવાદીઓના એજન્ડા પર કાશી અને મથુરાનાં મંદિરો છે ત્યારે વારાણસીની કોર્ટે બહુ મહત્ત્વનો આદેશ આપ્યો છે. વારાણસી કોર્ટે જ્ઞાનવ્યાપી મંદિરનું ગર્ભગૃહ મનાતા વ્યાસભોંયરામાં પૂજા કરવાની હિંદુ પરિવારને છૂટ આપી છે.
વારાણસી સંકુલમાં કુલ ચાર તહખાના એટલે કે ભોંયરાં છે. આ પૈકી એક ભોંયરા પર મંદિરના પૂજારી એવા વ્યાસ પરિવારનો કબજો છે. કોર્ટે આ વ્યાસ પરિવારને જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે અને તેના માટે બેરિકેડ હટાવવાનું પણ ફરમાન કર્યું છે. આ પહેલાં કોર્ટે વ્યાસ ભોંયરુ ખોલીને તેનો કબજો લેવા આદેશ આપતાં ૧૭ જાન્યુઆરીએ, વ્યાસજીના ભોંયરાનો જિલ્લા વહીવટીતંત્રે કબજો લીધો હતો. જિલ્લા કલેક્ટરે ભોંયરાની ચાવી પોતાની પાસે રાખી હતી. હવે કોર્ટના આદેશથી ચાવી વ્યાસ પરિવારને આપી દેવામાં આવશે.
આ ભોંયરામાં છેલ્લાં ૩૧ વર્ષથી એટલે કે ૧૯૯૩થી પૂજા બંધ હતી પણ વારાણસી કોર્ટે ફરમાન કરતાં કહ્યું કે વ્યાસ પરિવાર સાત દિવસની અંદર પૂજા કરી શકે છે. અત્યારે પૂજા કરવા માટે કાશી વિશ્ર્વનાથ મંદિરના પૂજારીને બોલાવવા કહેવાયું છે પણ પછીથી જિલ્લા કલેક્ટરના આદેશથી પૂજારીની નિમણૂક કરવામાં આવશે.
વારાણસી કોર્ટના આદેશ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે, કાશી વિશ્ર્વનાથ મુદ્દો પણ અયોધ્યાના રામમંદિર વિવાદની દિશામાં આગળ વધી રહ્યો છે અને હિંદુઓને આ મંદિર સોંપાય તેનો તખ્તો ઘડાઈ રહ્યો છે. તેમાં કશું ખોટું પણ નથી કેમ કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (અજઈં)એ પોતાના રિપોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ ઊભી છે ત્યાં પહેલાં મંદિર હતું એવું કહ્યું છે.
જ્ઞાનવાપી મસ્જિદ અંગેનો એએસઆઈનો સર્વે રિપોર્ટ ૨૫ જાન્યુઆરીએ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટ લખાયું છે કે, જ્ઞાનવાપી સંકુલમાં ભગવાન વિષ્ણુ, ગણેશ અને શિવલિંગની મૂર્તિઓ મળી આવી છે. સમગ્ર સંકુલમાં મંદિરની રચના હોવાનું સ્પષ્ટ છે અને મસ્જિદ સંકુલની અંદર ‘મહામુક્તિ મંડપ’ નામનો પથ્થરનો સ્લેબ પણ મળી આવ્યો છે. એએસઆઈ દ્વારા આ સ્થળે મંદિર હતું એ સાબિત કરતા ૩૪ પુરાવા ટાંકવામાં આવ્યા છે. ૮૩૯ પાનાના રિપોર્ટમાં એએસઆઈએ સંકુલના મુખ્ય સ્થળે હિંદુ મંદિર હોવાના ક્યા ક્યા પુરાવા મળ્યા તેનો ઉલ્લેખ કર્યો છે.
આ પુરાવાના આધારે એએસઆઈએ તારણ કાઢ્યું છે કે, જ્ઞાનવાપી મસ્જિદના સ્થળે એક મોટું હિન્દુ મંદિર હતું. મંદિરના મધ્ય ખંડનું મુખ્ય પ્રવેશદ્વાર પશ્ર્ચિમ દિશામાં હતું. આ દરવાજા પર પ્રાણીઓ અને પક્ષીઓની કોતરણી અને સુશોભિત કમાન બનાવાઈ હતી. ૧૭મી સદીમાં મોગલ બાદશાહ ઔરંગઝેબનું શાસન હતું ત્યારે જ્ઞાનવાપી માળખું તોડી પાડવામાં આવ્યું હતું અને મંદિર કેટલાક ભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. મંદિર હોવાની ખબર ના પડે એટલે ફેરફારોને પ્લાસ્ટર અને ચૂના વડે છુપાવી દેવાયા હતા. મસ્જિદ બનાવવા માટે ગુંબજના આંતરિક ભાગમાં ફેરફાર કરી દેવાયો હતો.
એએસઆઈએ પ્લાસ્ટર અને ચૂનાને દૂર કરતાં જ્ઞાનવાપીની દીવાલો અને પથ્થર પર ચાર ભાષામા લખાણ મળ્યાં છે. દેવનાગરી, ક્ધનડ, તેલુગુ અને ગ્રંથ ભાષાનાં સૂત્ર દીવાલો પર લખાયેલાં મળ્યાં છે. મંદિરની દીવાલો પર ભગવાન શિવનાં ત્રણ નામ જનાર્દન, રુદ્ર અને ઓમેશ્ર્વર લખેલાં મળી આવ્યા છે. મસ્જિદના તમામ સ્તંભો પહેલાં મંદિરના હતા અને તેમાં ફેરફાર કરીને ફરીથી ઉપયોગમાં લેવાયા હતા. સુશોભિત કમાનોના નીચેના છેડે કોતરવામાં આવેલી પ્રાણીઓની આકૃતિઓ વિકૃત થઈ ગયેલી મળી આવી છે.
એએસઆઈના રિપોર્ટમાં બહુ બધી વાતોનો ઉલ્લેખ છે ને બધી વાતો કરી શકાય તેમ નથી પણ વાતનો સાર એ જ છે કે, આ મસ્જિદ હિંદુ મંદિરને તોડીને બનાવવામાં આવી છે. તેના આધારે જજે હિંદુઓને પૂજાની મંજૂરી આપી દીધી છે. આ આદેશ સામે મુસ્લિમો ઉપલી કોર્ટમાં જઈ શકે છે. હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ આ આદેશ સામે સ્ટે આપી દે એવું બને પણ અત્યારે તો હિંદુઓની તરફેણમાં માહોલ બની રહ્યો છે એ સ્પષ્ટ છે.
મુસ્લિમો આ મુદ્દે હવે શું વલણ લે છે તેના પર સૌની નજર છે પણ કેટલાક હિંદુવાદી આગેવાનોએ મુસ્લિમોને સમજદારી બતાવીને આ ધર્મસ્થાન હિંદુઓને સોંપીને કોમી સદભાવનો એક દાખલો બેસાડવા અપીલ કરી છે. આ વાત માનીને મુસ્લિમો વિવાદ કર્યા વિના હિંદુઓને આ જગા સોંપી દે એ એક વિકલ્પ છે જ. મુસ્લિમો તેના કારણે ફાયદામાં રહેશે કેમ કે મુસ્લિમો માટે મસ્જિદ કામની નથી જ્યારે હિંદુઓ માટે આસ્થાનું પ્રતિક છે. હજારો હિંદુઓ આ મંદિરમાં આવે છે તેથી મુસ્લિમો વિવાદ ના વણસે એ માટે જગાનો કબજો છોડી દે એવું બને.
આ વિવાદમાં મુસ્લિમ આગેવાનો હુંકાર કર્યા કરે છે પણ સામાન્ય મુસ્લિમો તેનાથી દૂર છે તેના કારણે પણ આ આશા છે. જ્ઞાનવાપી સંકુલનો સર્વે કરાયો ત્યારે જામા મસ્જિદની ઈંતેજામિયા કમિટીએ હુંકાર કરેલો કે, સરવે માટે કોઈને મસ્જિદમાં દાખલ થવા દેવાશે નહીં. તેના કારણે સર્વે માટે ટીમ ગઈ ત્યારે સંઘર્ષ થશે એવું લાગતું હતું પણ સર્વે માટેની ટીમને રોકવા કોઈ ઊભું નહોતું રહ્યું. તેના પરથી સ્પષ્ટ છે કે, મુસ્લિમોનો બહુમતી વર્ગ કજિયાનું મોં કાળું કરીને વિવાદથી દૂર રહેવા માગે છે. આ સંજોગોમાં મુસ્લિમ સમાજ સમજદારી બતાવે એવી પૂરી શક્યતા છે.
જો કે ઇંતેજામિયા કમિટી સમાધાનના મૂડમાં નથી તેથી મુસ્લિમોના નામે કાનૂની લડત લડશે એવું લાગે છે. કાનૂની લડત માટે મુસ્લિમ સંગઠનો પાસે આધાર પણ છે. કાનૂની જંગમાં કાયદો અત્યારે મુસ્લિમોની તરફેણમાં છે એ સ્વીકારવું પડે. ૧૯૯૧માં કેન્દ્રની નરસિંહરાવ સરકારે રામ જન્મભૂમિ સિવાયનાં તમામ ધાર્મિક સ્થળોને લગતા વિવાદોમાં યથાસ્થિતિ જાળવી રાખવા કાયદો બનાવ્યો હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે દરેક ધર્મસ્થળ જે સ્થિતિમાં હતા તે એ જ સ્થિતિમાં રાખવાની જોગવાઈ આ કાયદા હેઠળ કરાઈ છે.
જ્ઞાનવાપી મસ્જિદને આ કાયદા હેઠળ સુરક્ષા મળે પણ મોદી સરકાર કાયદો બદલી શકે છે એ જોતાં મુસ્લિમો કાનૂની લડત કરીને પણ કંઈ કાંદા કાઢી શકવાના નથી.