થાણે જિલ્લામાં આશ્રમ શાળામાં ૧૦૯ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન
મુંબઈ: થાણે જિલ્લામાં ખાનગી આશ્રમની સ્કૂલમાં ભણતા ૧૦૯ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. તેમને સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
મુંબઈ નજીક આવેલા શાહપુર તાલુકાના ભાતસાઈમાં આશ્રમ સ્કૂલ આવેલી છે, જેમાં આદીવાસી બાળકોને રહેવાની અને ભણવાની વ્યવસ્થા છે. શાહપૂર તહેસીલદાર કોમલ ઠાકુરના જણાવ્યા મુજબ ચાર બાળકોને છોડીને બાકીના તમામ બાળકોની તબિયત સારી છે. સારવાર બાદ તેમને હૉસ્પિટલથી રજા આપવામાં આવી હતી.
બુધવાર સવારના બહારથી લાવવામાં આવેલો ખોરાક બાળકોને ખાવા માટે આપવામાં આવ્યો હતો, જેમાં ગળ્યો પદાર્થ પણ હતો. બહારથી લાવવામાં આવેલો ખોરાક ખાધા બાદ ૧૦૯ વિદ્યાર્થીઓને ઉલટી, ઉબકા અને ચક્કર આવતા હોવાની ફરિયાદ કરી હતી. તેથી તેમને તુરંત નજીક આવેલી સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાળકોને આપવામાં આવેલા ખાદ્ય પદાર્થના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું કોમલ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)