ઓબીસી ક્વોટામાં પાછલા બારણે ઘૂસણખોરી કરવા માટે લાખોની સંખ્યામાં સોગંદનામા તૈયાર થઈ રહ્યા છે: ભુજબળ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે બુધવારે વધુ એક વખત રાજ્ય સરકારની મરાઠા અનામત માટેના ડ્રાફ્ટ નોટિફિકેશન માટે ટીકા કરી હતી અને એવો દાવો કર્યો હતો કે ઓબીસી ક્વોટામાં પાછલા બારણે ઘૂસણખોરી કરવા માટે લાખોની સંખ્યામાં સોગંદનામા નોંધાવવામાં આવી રહ્યા છે.
ભુજબળ અને મરાઠા અનામત માટેના કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
મરાઠા અનામતના નામે જે થઈ રહ્યું છે તે ઝૂંડશાહીની સામે શરણાગતિ સ્વીકારવાથી વધુ કશું જ નથી. લાખો સોગંદનામા રજૂ કરવામાં આવી રહ્યા છે. ઓબીસી અનામત મેળવવા પાછલા બારણે ઘૂસણખોરી કરવા અને ઓબીસીના અધિકારો પર તરાપ મારવાનું કામ થઈ રહ્યું છે. ગામડાઓમાં ઉન્માદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
અત્યારે ઓબીસી સમાજ પાસે ત્રણ વિકલ્પો છે. પહેલો કોર્ટમાં ધા નાખી શકાય છે. બીજો લોકોમાં જાગૃતિ ફેલાવીને તેમને થઈ રહેલા અન્યાય અંગેની જાણકારી આપવી. અથવા તેમની સાથે થઈ રહેલા અન્યાયને લોકશાહીના માધ્યમથી પ્રકાશમાં લાવવો.
મનોજ જરાંગે-પાટીલની હાંસી ઉડાવતાં તેમણે કહ્યું હતું કે તેઓ એટલા બધા ‘જ્ઞાની’ છે કે તેમને કરોડ અને લાખનો ફરક ખબર પડતી નથી. તેણે કહ્યું હતું કે મુંબઈમાં ત્રણ કરોડ મરાઠાને લઈને આવીશ, બધાએ જોયું કે (26 જાન્યુઆરીએ) નવી મુંબઈમાં કેટલા મરાઠા આવ્યા હતા.
મરાઠા અનામતના નિષ્ણાતો કહી શકે છે કે સમાજને અલગ અનામત મળવી જોઈએ. અમે પણ એ જ વસ્તુ કહી રહ્યા છીએ, એમ પણ ભુજબળે કહ્યું હતું.