ફરી આમરણ અનશન પર ઉતરવાની મનોજ જરાંગેની ચીમકી
મુંબઈ: સરકારી નોકરીઓ અને શિક્ષણ વગેરેમાં મરાઠાઓને અનામત આપવાની માગણી સાથે આંદોલન પર ઉતરેલા મરાઠા સમાજનું આંદોલન સરકારે આ અંગે અધ્યાદેશ બહાર પાડ્યો ત્યાર બાદ સમેટાઇ લેવાયું તેને હજી માંડ ત્રણ દિવસ પણ નથી થયા ત્યાં ફરી મરાઠા આંદોલનની આગ ભડકે એવા એંધાણ છે.
મરાઠા સમાજના નેતા તેમ જ આંદોલનના સૂત્રધાર મનોજ જરાંગે પાટીલે 10મી ફેબ્રુઆરીથી ફરીથી આમરણ ઉપવાસ પર જવાની ચીમકી આપી છે. જો સરકાર તાત્કાલિક ધોરણે અધ્યાદેશ લાગુ ન કરે, તો ફરીથી આમરણ ઉપવાસ પર ઉતરવાની ચેતવણી જરાંગેએ આપી છે.
બુધવારથી જો મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવાનું શરૂ કરવાની માગણી જરાંગેએ કરી છે. આ અધ્યાદેશનું કાયદામાં રૂપાંતર કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, એવી માગણી પણ જરાંગેએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કરી હતી.
ઉલ્લેખનીય છે કે હજી ચાર દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારે અધ્યાદેશ બહાર પાડ્યો હતો જેમાં કહેવાયું હતું કે જે પણ મરાઠા વ્યક્તિ પોતે કુણબી સમુદાયથી હોવાનો પુરાવો આપી શકે તેમને તેમ જ તેમના કુટુંબીજનો-સગા સંબંધીઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવશે. કુણબી સમુદાય ઓબીસીમાં ગણાય છે એટલે જરાંગેએ બધા જ મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવાની માગણી કરી હતી.