જો મારી વહુ જયા બચ્ચન વિધવા થઈ તો… જાણો તેજી બચ્ચને કોને આપી હતી આવી ધમકી?
હેડિંગ વાંચીને જ તમને એવું થઈ ગયું ને કે ભાઈ એક મા પોતાના દીકરા માટે આવા અમંગળ વેણ કઈ રીતે ઉચ્ચારી શકે કે પછી આખરે એવું તો શું થયું કે આખરે તેજી બચ્ચને આવી ધમકી ઉચ્ચારવાનો વારો આવ્યો હશે અને આખરે તેમણે આવી ધમકી આપી તો આપી કોને હતી? ચાલો તમને આ અનોખા ઈન્સિડેન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ…
વાત જાણે એમ છે કે 32 વર્ષ પહેલાં અમિતાભ બચ્ચન અને શ્રીદેવી સ્ટારર ફિલ્મ ખુદા ગવાહ રિલીઝ થઈ હતી અને મનોજ દેસાઈ ફિલ્મના પ્રોડ્યુસરમાંથી એક હતા. એ સમયે તેમણે તેજી બચ્ચન દ્વારા ઉચ્ચારવામાં આવેલી આ ધમકીનો ખુલાસો કર્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં કરવામાં આવ્યું હતું અને એ સમયે તેજી બચ્ચને મનોજ દેસાઈને ધમકી આપી હતી કે જો મારી વહુ જયા બચ્ચન વિધવા થઈ તો તારી પત્ની પણ વિધવા થઈ જશે. એટલું જ નહીં પણ તેજી બચ્ચને આગળ એવું પણ કહ્યું હતું કે જો અમિતને કંઈ થયું અને જયા બચ્ચને સફેદ સાડી પહેરવી પડશે તો તારી પત્ની કલ્પનાએ પણ સફેદ સાડી પહેરવી પડશે. તું પાછો જ નહીં આવતો.
હવે તમને થશે કે ફિલ્મ સ્ટાર્સ હોય તો શૂટ માટે બહાર જવું જ પડે તો એવી પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનમાં જવું પડે તો એમાં શું નવાઈ? પણ બિગ બી અને શ્રીદેવી એવા સમયે અફઘાનિસ્તાન શૂટ કરવા જઈ રહ્યા હતા જ્યારે ત્યાં હાલત ખૂબ જ ખરાબ હતી. 1989માં USSRના હુમલા બાદ આતંકવાદી સંગઠન પગપેસારો કરી રહ્યા હતા.
આશરે 18 દિવસ સુધી બિગ બી અને શ્રીદેવીએ ભયજનક માહોલમાં શૂટિંગ કરી હતી. પરંતુ સદભાગ્યે શૂટિંગ વિનાવિઘ્ને પાર પડયું હતું અને બધા હેમખેમ પાછા ફર્યા હતા. બિગ બીએ આ અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે આ એક અલગ જ અનુભવ હતો. રસ્તા પર મિલીટરી અને ટેન્ક ચાલી રહી હતી.
આ ફિલ્મનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં જ કરવામાં આવ્યું એનું કારણ એવું છે કે ફિલ્મમાં બિગ બી બેનઝીર (શ્રીદેવી) પિતાના હત્યારાને શોધવા માટે અફઘાનિસ્તાન જાય છે. બિગ બીએ આ ટ્રીપને પોતાના જીવનની સૌથી યાદગાર ટ્રિપમાંથી એક ગણાવી હતી.