સ્પોર્ટસ

શું ત્રીજી ટેસ્ટથી વિરાટ અને રાહુલની વાપસી થશે?

વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ભારત પ્રથમ ટેસ્ટ જીતવાની દિશામાં આગળ વધ્યા પછી પણ હારી ગયું અને શુક્રવાર, બીજી ફેબ્રુઆરીએ શરૂ થનારી બીજી ટેસ્ટમાં ભારતની બિનઅનુભવી ટીમ રમવા ઉતરશે, કારણકે કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે એમાં નથી રમવાના. વિરાટ કોહલીએ અંગત કારણસર બીજી ટેસ્ટમાંથી પણ બ્રેક લીધો છે એટલે હવે ભારતે 0-2થી પાછળ ન થઈ જવાય એની ખાસ તકેદારી રાખવી પડશે. જોકે ત્રીજી ટેસ્ટથી વિરાટ અને રાહુલ કમબૅક કરશે એવી સંભાવના છે.

ભારતને સિરીઝની પહેલાથી જ એક પછી એક ઝટકો લાગ્યો છે. વિરાટે પહેલી બે ટેસ્ટમાંથી બ્રેક લઈ લીધો, રવીન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટમાં પગના સ્નાયુઓમાં અસહ્ય દુખાવો થયો જેને કારણે તે બીજી ટેસ્ટમાં તો નથી જ રમવાનો, શ્રેણીની બાકીની મૅચોમાં પણ કદાચ નહીં રમે. કેએલ રાહુલને જમણી સાથળમાં દુખાવો છે જેને લીધે તે સેક્ધડ ટેસ્ટમાં નથી રમવાનો અને મોહમ્મદ શમી પગની ઈજાને કારણે સિરીઝની બહાર છે.


શમીની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ પેસ બોલિંગમાં આગેવાની સંભાળી રહ્યો છે, પરંતુ મોહમ્મદ સિરાજને હૈદરાબાદની પ્રથમ ટેસ્ટના બન્ને દાવમાં વિકેટ નહોતી મળી. સ્પિનરો જાડેજા તેમ જ રવિચન્દ્રન અશ્ર્વિન અને અક્ષર પટેલ પ્રથમ દાવમાં સફળ થયા હતા, પણ પછીથી મૅચમાં તેમની બોલિંગ કરતાં ઇંગ્લૅન્ડના સ્પિનરોની બોલિંગ ચડિયાતી સાબિત થઈ હતી. ખાસ કરીને નવા સ્પિનર ટૉમ હાર્ટલીએ બીજા દાવમાં સાત વિકેટ લીધી હતી.
જાડેજા અને રાહુલ બીજી ટેસ્ટમાં નથી રમવાના એટલે ટીમ મૅનેજમેન્ટ પાસે હવે તેમના સ્થાન ભરવા ઘણા વિકલ્પો થઈ ગયા છે. વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ તેમ જ સરફરાઝ ખાન અને રજત પાટીદારમાંથી કોઈને પણ ઇલેવનમાં જગ્યા મળી શકે.


બાકીની ત્રણ ટેસ્ટ માટેની ટીમ જાહેર કરવામાં આવશે, પરંતુ એ પહેલાં આપણે જાણી લઈએ કે ત્રીજી, ચોથી અને પાંચમી ટેસ્ટ માટેની સ્ક્વૉડ કેવી હોઈ શકે: રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચન્દ્રન અશ્ર્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર, રજત પાટીદાર, સરફરાઝ ખાન અને વૉશિંગ્ટન સુંદર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button