સ્પોર્ટસ

આખી ભારતીય ટીમ કરતાં જો રૂટના રન વધુ? એ કેવી રીતે?

વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચ તો ભારત હારી ગયું અને હવે બીજી ફેબ્રુઆરીથી સેક્ધડ ટેસ્ટમાં ભારતની ખૂબ જ બિનઅનુભવી ટીમ વિશાખાપટ્ટનમમાં ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા ઉતરશે. વિરાટ કોહલી આ ટેસ્ટમાં પણ નથી રમવાનો, કેએલ રાહુલ તથા રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે આ મૅચ ગુમાવશે, ચેતેશ્ર્વર પૂજારા અને અજિંક્ય રહાણે જેવા અનુભવીને તો સિલેક્ટરોએ ટેસ્ટ-સ્ક્વૉડમાં લીધા જ નથી.

2013ની સાલ પછી ભારત ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે ચોથી ટેસ્ટ હાર્યું અને વર્તમાન ટીમ ઇન્ડિયાનો નબળો અનુભવ જોતાં કોણ જાણે સિરીઝમાં હવે પછી ભારતીય ટીમે કેવો સંઘર્ષ કરવો પડશે. આર. અશ્ર્વિન (96 ટેસ્ટ), રોહિત શર્મા (51 ટેસ્ટ) અને જસપ્રીત બુમરાહ (33 ટેસ્ટ) ઉપરાંત માત્ર શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ એવા બીજા માત્ર બે પ્લેયર છે જેઓ 20થી વધુ ટેસ્ટ રમ્યા છે.

બૅટિંગની બાબતમાં ટીમ ઇન્ડિયાનો નબળો અનુભવ વધુ છતો થયો છે. એટલી હદે નબળો છે કે અત્યારની આખી ટીમ ઇન્ડિયાના બધા બૅટર્સના રનનો સરવાળો ઇંગ્લૅન્ડના પીઢ બૅટર જો રૂટના કુલ રનની સામે ઓછો છે. ટેસ્ટ-ક્રિકેટમાં જો રૂટના 11,477 રન સામે હાલની આખી ભારતીય ટીમના રનનો સરવાળો 10,610 છે.

રોહિત શર્મા (3801) અને આર. અશ્ર્વિન (3129) ટીમ ઇન્ડિયાના હાઇએસ્ટ રન-મેકર છે. બાકીના બૅટર્સમાં શુભમન ગિલ (1063) એકમાત્ર એવો બૅટર છે જે 1000થી વધુ રન બનાવી ચૂક્યો છે. શ્રેયસ ઐયરના નામે 755 રન, યશસ્વી જયસ્વાલના નામે 411 રન, અક્ષર પટેલના નામે 574 રન, વૉશિંગ્ટન સુંદરના નામે 265 રન, જસપ્રીત બુમરાહના નામે 219 રન, કેએસ ભરતના નામે 198 રન અને મોહમ્મદ સિરાજના નામે 101 રન છે. સ્ક્વૉડના બાકીના મેમ્બરોની વાત કરીએ તો મુકેશ કુમારે હજી ખાતું નથી ખોલાવ્યું, જ્યારે રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, સૌરભ કુમાર અને આવેશ ખાન હજી ટેસ્ટ-ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે.

ઇંગ્લૅન્ડની વર્તમાન ટેસ્ટ ટીમમાં ભારતના ટોચના રનમેકર રોહિત શર્મા કરતાં વધુ રન ધરાવતા બીજા બે પ્લેયર પણ છે. બેન સ્ટોક્સ ટેસ્ટમાં 6193 રન અને જૉની બેરસ્ટૉ 5851 રન બનાવી ચૂક્યો છે. ઓપનર ઝૅક ક્રૉવ્લી અને ઑલી પૉપ 2000થી વધુ રન બનાવી ચૂક્યા છે અને ભારતીય ટીમમાં તેમનાથી માત્ર રોહિત શર્મા અને અશ્ર્વિનના જ રન વધુ છે.
હવે આ સ્થિતિમાં બીજી ટેસ્ટમાં ભારતીય બૅટર્સ બ્રિટિશ બૅટર્સ સામે કેટલા સફળ થશે એ જોવું રહ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…