નેશનલ

કર્ણાટકમાં લીલા ઝંડા અને ભગવા ધ્વજને લઈને બબાલ, મામલો વધુ બગડે તે પહેલા તંત્રએ ત્રિરંગો લહેરાવ્યો

કર્ણાટકમાં ધાર્મિક ધજાઓને લઈને મોટી માથાકૂટો ચાલી રહી છે. માંડ્યા જીલ્લાના એક ગામમાં હનુમાન ધ્વજ ઉતારવાને લઈને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને ભાજપ અને JDS જેવા રાજ્યના વિરોધી પક્ષોએ દેખાવો શરૂ કરી દીધા હતા. જેને લઈને બેંગલુરુ પોલીસે પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

આ વિવાદ પછી ઉત્તર કન્નડથી વધુ એક વિવાદ બહાર આવ્યો છે. જેમાં જિલ્લા વહીવટીતંત્રે એક સર્કલથી વીર સાવરકરની નેમપ્લેટ હટાવી દીધી. દરમિયાન ભાજપે બેંગલુરુના શિવાજીનગરમાં લેમ્પ પોસ્ટ પર લીલા રંગના ધ્વજ લગાવવાને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

મંગળવારે ઉત્તર કન્નડ જિલ્લાની તેંગીનાગુંડી ગ્રામ પંચાયતના અધિકારીઓએ પોલીસ સાથે મળીને ધ્વજ સ્તંભ (Flag pole) નું બાંધકામ અટકાવ્યું અને પોસ્ટ પરથી વીર સાવરકરની નેમ પ્લેટ હટાવી દીધી હતી, આ ઘટનાને લઈને ગામમાં મામલો ગરમાયો હતો. આ મામલે કેટલાક પંચાયતના સભ્યો અને ભાજપના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો કે વહીવટી તંત્રએ વર્ષ 2022માં જ આ ધ્વજ સ્તંભ માટેની પરવાનગી આપી દીધી હતી. અને સર્કલનું નામ પણ વીર સાવરકર સર્કલ રાખવામા આવશે.

જ્યારે જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, પંચાયતના સભ્યોએ આ ધ્વજ સ્તંભના નિર્માણ અને આ સર્કલને વીર સાવરકર સર્કલ નામ આપવા માટે કોઈ પરવાનગી લીધી નથી. ગયા અઠવાડિયે, કેટલાક સ્થાનિક ગ્રામજનોએ ધ્વજ સ્તંભ બનાવ્યો હતો અને તેના પર ભગવો ધ્વજ અને વીર સાવરકરની નેમ પ્લેટ લગાવી હતી. ફ્લેગ પોલના બાંધકામ પછી તરત જ, જિલ્લા અધિકારીઓએ આવીને તે બાંધકામ દૂર કર્યું હતું. આજે ફ્લેગ પોલનું બાંધકામ ફરી શરૂ થયું, ત્યારબાદ જિલ્લા અધિકારીએ સ્થળ પર પહોંચીને તેમને અટકાવે તે પહેલા જ તેઓએ ધ્વજ સ્તંભ ઊભો કરી દીધો હતો.

વધતાં જતાં વિવાદને લઈને જિલ્લા તંત્રએ 15 દિવસ અંદર તેંગીનાગુંડી ગ્રામ પંચાયતમાં આવા તમામ પ્રકારના બાંધકામ માટેના પરવાનગીના કાગળો રજૂ કરવાની નોટિસ આપવાનો નિર્ણય લીધો છે. અને જો કોઈ સંતોષકારક દસ્તાવેજ રજૂ ન કરી શકે તો તેવા તમામ બાંધકામ અને નેમપ્લેટને દૂર કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

બીજા એક અન્ય વિવાદમાં ભાજપે બેંગલુરુના શિવાજીનગરમાં લેમ્પ પોસ્ટ પર લીલા ઝંડાને લગાવવાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ભાજપના નેતા બસવનગોડ પાટીલ યતનલાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને પોલીસને પૂછ્યું કે શું આ હાઈ લાઇટ પોસ્ટ પર લીલો ધ્વજ જે દુશ્મન દેશનો રંગ છે તે ફ્લેગ કોડની વિરુદ્ધ નથી? અને સાથે સાથે તેને હટાવવાની પણ માંગ કરી હતી. જો કે વાત વધુ વણસી જાય તે પહેલા જ પોલીસે ચાંદની ચોક સ્થિત દરગાહ એસોસિએશનના સભ્યો સાથે વાત કરી હતી. જે બાદ સ્થાનિક લોકોએ તેને તરત જ લીલો ઝંડો હટાવી ત્રિરંગો લહેરવી દીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button