ટોપ ન્યૂઝનેશનલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં મોદી સરકારના 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું…..

નવી દિલ્હી: સંસદમાં આજે ટૂંકુ બજેટ સત્ર શરૂ થયું હતું જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોદી સરકારના 10 વર્ષના કામકાજનો હિસાબ આપ્યો હતો. જેમાં તેમમએ જણાવ્યું હતું કે આ ભવન અમૃતકાલની શરૂઆતમાં બનાવવામાં આવી હતી. અહીં એક ભારત, શ્રેષ્ઠ ભારતની સુવાસ ફેલાયેલી છે. અને આ નવા ભવનમાં એવી ચર્ચા થશે જે વિકસિત ભારતનું નિર્માણ કરશે. અત્યારે વિશ્ર્વમાં ગંભીર કટોકટી જોવા મળી રહી છે ત્યારે આ બધા વચ્ચે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. છેલ્લું વર્ષમાં ભારતે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમજ નારી શક્તિ અધિનિયમ પસાર કરવા બદલ હું સભ્યોને અભિનંદન આપું છું, રામ મંદિરનું નિર્માણ સદીઓથી જોયેલું એક સ્વપ્ન હતું જે આજે પૂંરુ થયું છે.

તેમણે પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે જે શંકા હતી તે આજે ઈતિહાસ છે. આ ઉપરાંત મારી સરકાર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને લઈને યુવાનોની ચિંતાઓથી વાકેફ છે અને તેના માટે કાયદો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ગરીબી હટાઓના નારા ઘણા સાંભળ્યા.પરંતુ ભારતમાં પહેલીવાર આપણે મોટા પાયે ગરીબી દૂર થતી જોઈ રહ્યા છીએ. મારી સરકારના કાર્યકાળ દરમિયાન લગભગ 25 કરોડ દેશવાસીઓ ગરીબી હટાવીને બહાર આવ્યા છે.


ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું છે. ભારતનો વિકાસ દર 7.5% થી વધુ રહ્યો છે. તેમજ ભારતને તેનો સૌથી મોટો દરિયાઈ પુલ, અટલ સેતુ મળ્યો છે. ભારતને તેની પ્રથમ નમો ભારત ટ્રેન મળી છે. ભારતમાં પહેલા મોંઘવારી દર બે આંકડામાં હતો જે હવે તે 4 ટકા થયો છે. આજના સમયમાં વિશ્વમાં થતા તમામ ડિજિટલ વ્યવહારોમાંથી 46 ટકા વ્યવહારો ભારતમાં થાય છે. ગયા મહિને UPI દ્વારા 1200 કરોડ ટ્રાન્ઝેક્શન થયા જે રેકોર્ડ બ્રેક હતા. વિકસિત ભારતની ભવ્ય ઈમારત ચાર સ્તંભો પર ઉભી રહી છે. જેમાં યુવા શક્તિ, મહિલા શક્તિ, ખેડૂતો અને ગરીબ આ ચાર સ્તંભોને મજબૂત કરવા માટે સરકાર સતત કામ કરી રહી છે.


વિશ્વએ બે મોટા યુદ્ધો જોયા છે અને કોરોના જેવી મહામારીમાં પણ સરકારે દેશમાં મોંઘવારી નિયંત્રણમાં રાખી અને સામાન્ય ભારતીયનો બોજ વધવા દીધો નહોતો.


અત્યારે ભારતમાં ટેક્સ દ્વારા આવતી રકમનો મોટો હિસ્સો યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને સશક્ત બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમજ પ્રસૂતિના સમયે થતા માતા અને બાળ મૃત્યુ દરમાં પણ ભારે ઘટાડો થયો છે, સાથે જ ઉજ્જવલા યોજનાનો લાભ મળવાના કારણે ગરીબ પરિવારોમાં થતા રોગોનું પ્રમાણ પણ ઓછું થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button