નેશનલ

હિમાચલમાં ભારે હિમવર્ષા, અટલ ટનલ પાસે 1 ફૂટ હિમવર્ષા, કુલ 130 રસ્તાઓ બંધ……

શિમલા: આ વર્ષે હવે રહી રહીને ઠંડીએ જોર પકડ્યું છે. હિમાચલ પ્રદેશમાં હવામાન એકદમ ઠંડુ હેમ થઈ ગયું છે. વરસાદ અને હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર પડી છે. હાલમાં રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અટલ ટનલ રોહતાંગ પાસે એક ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે અને તેના કારણે મનાલીમાં નહેરુ કુંડથી આગળ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગુલાબા, પલચાન સોલાંગવેલી અને મનાલીની અટલ ટનલની આસપાસ પણ બરફ પડ્યો છે. મનાલી શહેરમાં ગઈકાલે રાત્રે હળવી હિમવર્ષા થઈ હતી. પરંતુ આજ સવારથી ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.

હિમાચલ પ્રદેશ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક બુલેટિન દ્વારા જણાવ્યું હતું કે શિમલા-રામપુર-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 કિન્નૌર જિલ્લાના નાથપા પાસે એક પહાડી પરથી પત્થરોના વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ નેશનલ હાઈવે બ્લોક થવાને કારણે વહીવટીતંત્રે ડેમ સાઈટથી વૈકલ્પિક માર્ગે ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે.


ગઈકાલ રાતથી હિમવર્ષા ચાલુ જ છે. જેના કારણે લાહૌલ સબડિવિઝનમાં 71 અને ઉદયપુર ડિવિઝનમાં 48 રસ્તાઓ બંધ છે. એ જ રીતે દારચા લેહ મનાલી હાઇવે, સરચુ હાઇવે, કાઝા ગ્રાફ્ફૂ લોસર હાઇવે પણ બંધ કરવામાં આવ્યા છે. ટાંડી-ખાડુ રોડ પણ બંધ છે. લાહૌલમાં હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જોકે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.


આ ઉપરાંત શિમલા અને શિલારુ, મટિયાના, નારકંડા, કોટખાઈ, રોહરુ સહિત અન્ય વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. શિમલાના રોહરુ અને ડોદરા ક્વાર્ટરમાં એક-એક રસ્તો બંધ છે. રોહતાંગ પાસ તરફ જતો રસ્તો પણ બંધ છે. અહીં બે હાઇવે બંધ કરવામાં આવ્યા છે. કિન્નૌરમાં નાથપા પાસે ભૂસ્ખલનને કારણે NH 5 બંધ કરવામાં આવ્યો છે. ચંબાના ડેલહાઉસી અને પાંગી ભરમૌરમાં પણ બરફ પડ્યો છે.


છેલ્લા 24 કલાકમાં અટલ ટનલ પાસે ભારે હિમવર્ષા થઈ છે. અહીં અત્યાર સુધીમાં લગભગ એક ફૂટ બરફ પડ્યો છે. હાલમાં અહીં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. ભારે હિમ વર્ષાના કારણે ચંબા સહિત રાજ્યભરમાં 388 વીજ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button