ટોપ ન્યૂઝનેશનલ

Corruption Perceptions Index: સૌથી વધુ અને સૌથી ઓછા ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, જાણો ભારતનું સ્થાન

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ (Transparency International)એ મંગળવારે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ (CPI) બહાર પાડીને વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી જાહેર કરી હતી. અહેવાલ મુજબ વિશ્વમાં જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારને સામે ખુબજ સામાન્ય પ્રગતિ જોવા મળી છે, કારણ કે CPI માટેની વૈશ્વિક સરેરાશ સતત બારમા વર્ષે 43 પર સ્થિર રહી હતી. CPI મુજબ ગત વર્ષ કરતા ભારતમાં ભ્રષ્ટાચારમાં સામાન્ય વધારો નોધાયો છે.

180 દેશોમાંથી બે તૃતીયાંશથી વધુ દેશો સ્કેલ પર 50થી નીચેનો સ્કોર મળ્યો, જે એ રાષ્ટ્રોમાં ભ્રષ્ટાચારનો વ્યાપ દર્શાવે છે. CPI જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારના તેમના નિર્ધારિત સ્તરોના આધારે રાષ્ટ્રોની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે, જેમાં શૂન્ય (અત્યંત ભ્રષ્ટ) થી 100 (ઓછ ભ્રષ્ટ)ની રેંજ હોય છે.


વર્ષ 2023માં ભારતે 39ના સ્કોર સાથે 93મું સ્થાન મેળવ્યું છે, 2022માં ભારતનો સ્કોર 40 હતો અને 85મું સ્થાન હતું, આમ એક વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો હતો. ઇન્ડેક્સમાં પાકિસ્તાને 29, શ્રીલંકા 34, અફઘાનિસ્તાન અને મ્યાનમારે 20, ચીને 42, જાપાને 73 અને બાંગ્લાદેશે 24 સ્કોર મેળવ્યો હતો
.

અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “રૂલ ઓફ લો ઈન્ડેક્સ મુજબ, વિશ્વ ન્યાય પ્રણાલીની કામગીરીમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઇન્ડેક્સમાં સૌથી ઓછા સ્કોર ધરાવતા દેશો CPI પર પણ ખૂબ જ ઓછો સ્કોર કરી રહ્યા છે, જે ન્યાય અને ભ્રષ્ટાચારના જોડાણને સ્પષ્ટ રીતે દર્શાવે છે. સરમુખત્યારશાહી શાસન અને લોકશાહી નેતાઓ ન્યાય તંત્રને નબળું પાડે છે તે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને કેટલાક ખોટા કામ કરનારાઓ સામે પગલા લેવાને બદલે તેને પ્રોત્સાહિત પણ કરે છે.”


સૌથી ઓછા ભ્રષ્ટ દેશો:
સતત છઠ્ઠા વર્ષે ડેનમાર્કે 90 ના સ્કોર સાથે ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, ફિનલેન્ડ અને ન્યુઝીલેન્ડ અનુક્રમે 87 અને 85ના સ્કોર સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. ત્યાર બાદ આ વર્ષે ઇન્ડેક્સમાં ટોચના 10 દેશોમાં નોર્વે (84), સિંગાપોર (83), સ્વીડન (82), સ્વિટ્ઝર્લેન્ડ (82), નેધરલેન્ડ (79), જર્મની (78) અને લક્ઝમબર્ગ (78)નો સમાવેશ થાય છે.


સૌથી વધુ ભ્રષ્ટ દેશો:
ઇન્ડેક્સમાં સૌથી નીચેનું સ્થાન સોમાલિયા (11), વેનેઝુએલા (13), સીરિયા (13), દક્ષિણ સુદાન (13) અને યમન (16)નું છે. આ તમામ દેશો મુખ્યત્વે સશસ્ત્ર સંઘર્ષોથી પ્રભાવિત છે. ત્યાર બાદ નિકારાગુઆ (17), ઉત્તર કોરિયા (17), હૈતી (17), ગિની (17), તુર્કમેનિસ્તાન (18) અને લિબિયા (18) છે.


એવા દેશોમાં જેના CPI સ્કોર્સમાં ઘટાડો થયો:
2018 થી, 12 દેશોના CPI સ્કોર્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમાં અલ સાલ્વાડોર (31), હોન્ડુરાસ (23), લાઇબેરિયા (25), મ્યાનમાર (20), નિકારાગુઆ (17), શ્રીલંકા (34) જેવા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો સહિત વિવિધ આવક સ્તરના દેશોનો સમાવેશ થાય છે. વેનેઝુએલા (13), આર્જેન્ટિના (37), ઑસ્ટ્રિયા (71), પોલેન્ડ (54), તુર્કી (34) અને યુનાઇટેડ કિંગડમ (71) જેવી ઉચ્ચ-મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવતી અર્થવ્યવસ્થાઓના CPI સ્કોરમાં ઘટાડો થયો છે.


એવા દેશોમાં જેના CPI સ્કોર્સમાં વધારો થયો:
આ જ સમયગાળા દરમિયાન, આઠ દેશોના કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સના સ્કોર્સમાં સુધારો થયો છે. આ દેશોમાં આયર્લેન્ડ (77), દક્ષિણ કોરિયા (63), આર્મેનિયા (47), વિયેતનામ (41), માલદીવ્સ (39), મોલ્ડોવા (42), અંગોલા (33) અને ઉઝબેકિસ્તાન (33)નો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button