ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો ધીમો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે નરમાઈનું વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવા છતાં આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૧૧ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૬ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૧૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૫ અને ઉપરમાં ૮૩.૧૦ની રેન્જમાં અથડાઈને અંતે પાંચ પૈસા વધીને ૮૩.૧૧ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ઊંચા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી આજે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પીછેહઠ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, ડૉલર તથા ક્રૂડ તેલના ભાવમાં થોડીઘણી માત્રામાં પણ સુધારો જોવા મળશે તો રૂપિયો દબાણ હેઠળ આવે તેવી શક્યતા નકારી ન શકાય.
આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૦૧.૬૭ પૉઈન્ટનો અને ૨૧૫.૫૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી ૦.૨૭ ટકા વધીને બેરલદીઠ ૮૨.૬૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ હતા.