સ્પોર્ટસ

UNDER 19 WORLD CUP: ભારત સતત ત્રીજી મૅચ 200-પ્લસ રનથી જીત્યું

બ્લોમફોન્ટેન: સૌથી વધુ પાંચ વખત મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપનો તાજ જીતી ચૂકેલા ભારતે આ વખતના વિશ્ર્વકપમાં મોટી સિદ્ધિ મેળવી છે. સુપર-સિક્સ રાઉન્ડમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને 214 રનના તોતિંગ માર્જિનથી હરાવ્યું હતું. ઉદય સહરાનના સુકાનમાં બૉય્સ ઇન બ્લુએ સતત ત્રીજી મૅચ 200-પ્લસના માર્જિનથી જીતીને આ વર્લ્ડ કપના ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મુંબઈનો વનડાઉન બૅટર મુશીર ખાન (131 રન, 126 બૉલ, 179 મિનિટ, ત્રણ સિક્સર, તેર ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો અને તે ભારતના વિજય બાદ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો.

25મી જાન્યુઆરીએ ભારતે આયરલૅન્ડને 201 રનથી, 28મી જાન્યુઆરીએ અમેરિકાને પણ 201 રનથી અને હવે ન્યૂ ઝીલૅન્ડને 214 રનથી હરાવ્યું.


સુપર સિક્સ રાઉન્ડની આ પહેલી જ મૅચ હતી અને એમાં ભારતે વિજયી શ્રીગણેશ કર્યા છે.


ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ આપ્યા પછી ભારતે 50 ઓવરમાં આઠ વિકેટે 295 રન બનાવ્યા હતા જેમાં ઓપનર આદર્શ સિંહ (બાવન બૉલમાં 58 રન)નું પણ મોટું યોગદાન હતું. મૅસન ક્લાર્કે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. ન્યૂ ઝીલૅન્ડની ટીમ 29મી ઓવરમાં ફક્ત 81 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતના સૌમ્ય પાન્ડેએ ચાર વિકેટ તેમ જ ગુજરાતી બોલર રાજ લિંબાણીએ બે વિકેટ લીધી હતી અને મુશીર ખાને લેફ્ટ આર્મ સ્પિનથી પણ તરખાટ મચાવ્યો હતો અને બે વિકેટ લીધી હતી.


ભારત હવે બીજી ફેબ્રુઆરીએ નેપાળ સામે રમશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button