આપણું ગુજરાત

હંમેશાં દુર્ઘટના બાદ જ કેમ જાગે છે તંત્ર?: ગુજરાત હાઇ કોર્ટનો વડોદરા મહાનગરપાલિકાને સવાલ?

અમદાવાદ: વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે યોજાયેલી સુઓમોટો સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. હાઇ કોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યો હતો કે હંમેશાં કોઇ પણ દુર્ઘટના બન્યા બાદ જ કેમ પગલા લેવાય છે? હાઇ કોર્ટે સમગ્ર ઘટનાક્રમ અંગે સરકાર પાસે ખુલાસો માગ્યો હતો તેમ જ સરકારે જે સોગંદનામું રજૂ કર્યું હતું તેને બેદરકારી રાખવામાં આવી છે તેવી ટિપ્પણી કરી હતી.

મીડિયા અહેવાલો મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પરની સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ તથા અનિરુદ્ધ માયીની ખંડપીઠે રાજ્ય સરકાર, વડોદરા કોર્પોરેશન સહિત કોન્ટ્રાક્ટરને વેધક સવાલો કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે મનપા અને સરકારની જવાબદારી સુનિશ્ચિત થવી જોઇએ. ઘટના બન્યા પછી જે પગલા લેવાયા તે જાણવામાં રસ નથી પરંતુ ઘટના ન સર્જાય તે માટે જે કાળજી લેવાઇ, ચેક એન્ડ બેલેન્સીસ માટે શું પગલા લેવાયા હતા તેનો ખુલાસો VMCએ કરવો પડશે.

આ ઉપરાંત, હાઇ કોર્ટે રાજ્યની તમામ શાળાઓને બાળકોની સલામતિ મુદ્દે યોગ્ય પગલા લેવા નિર્દેશ આપ્યા હતા. તેમજ સરકારને એક ચોક્કસ પોલિસી અમલમાં મુકવા જણાવ્યું હતું. કોર્પોરેશનમાં સુપરવિઝનનો સદંતર અભાવ છે, કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે, પરંતુ અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ, જે લોકો એક્ટિવીટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ- આ પ્રકારે કોર્ટમાં નિર્દેશ આપવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારની સાથે સાથે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વ્યક્તિગત સોંગંદનામું દાખલ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. મહત્વનું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને હજુ સુધી રાજ્ય સરકારને હરણી દુર્ઘટના મામલે રિપોર્ટ તૈયાર કરી સોંપ્યો નથી.

વડોદરા કલેક્ટરે સચિવ પાસે વધુ 5 દિવસનો સમય માંગ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા 10 દિવસની અંદર રિપોર્ટ સોંપવાનો કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો હતો તેમ છતાં કલેક્ટર દ્વારા રિપોર્ટ સોંપવામાં વિલંબ થઇ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button