ટોપ ન્યૂઝનેશનલ

રાજનીતિના ‘ચાણક્ય’ શરદ પવાર કરતાં પણ વધુ ચાલાક સિદ્ધ થયા નીતીશ કુમાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
બિહારના રાજકારણમાં અચાનક પલટો આવ્યો અને મુખ્ય પ્રધાન નીતીશકુમારે અચાનક પાલો બદલીને લાલુ પ્રસાદની પાર્ટી છોડીને ભાજપની સાથે સરકાર ગઠન કરવાનો નિર્ણય લીધો હતો. કેટલાક લોકો આને ઈન્ડિયા ગઠબંધનમાં રહેલા અસંતોષનું નામ આપી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો લાલુ પ્રસાદ યાદવને મળેલી ઈડીની નોટિસનું કારણ આપી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ જ હતી.

વાસ્તવમાં બિહારમાં મહારાષ્ટ્રવાળી થવાની હતી, પરંતુ રાજનીતિના ‘ચાણક્ય’ ગણાતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે કરતાં નીતીશકુમાર ઘણા ચાલાક નીકળ્યા અને તેમણે પાર્ટીમાં ભંગાણ પડે તે પહેલાં જ સાગમટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાં સામેલ થવાનો નિર્ણય લઈ લીધો હતો.

દોઢ મહિનાથી ચાલી રહ્યું હતું ઓપરેશન લોટસ..

લોકસભાની આવી રહેલી ચૂંટણી વખતે બિહારમાં વધુ સારું પરિણામ મેળવી શકાય તે માટે ભાજપ દ્વારા લગભગ દોઢ મહિના પહેલાં ઓપરેશન લોટસ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા જનતા દળ (યુનાઈટેડ)ના કેટલાક નેતાઓની સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો. આને માટેની જવાબદારી ભાજપના નેતા સંગ્રામ સિંહને સોંપવામાં આવી હતી. બીજી તરફ દિલ્હીમાં વિનોદ તાવડે આખી સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. બિહારના પીઢ રાજકારણી અને નીતીશ કુમારના ગુરુ મનાતા કર્પુરી ઠાકુરને ભારત રત્નનો ખિતાબ આપવાનો નિર્ણય પણ ઓપરેશન લોટસનો એક હિસ્સો જ હતો, એવું માનવામાં આવી રહ્યું છે.

લલ્લન સિંહનું રાજીનામું લઈને પક્ષની ધુરા પોતાના હાથમાં લીધી

ભાજપ દ્વારા પોતાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી હતી અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહને પોતાની યોજનાનું હથિયાર બનાવવાનો નિર્ણય લીધો હતો. લલ્લન સિંહ પાર્ટીના વિધાનસભ્યોના સંપર્કમાં રહેવા લાગ્યા હોવાનું જાણવા મળતાં જ અનુભવી નીતીશકુમાર સતર્ક થઈ ગયા હતા અને તેમણે તત્કાળ લલ્લન સિંહનું રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી રાજીનામું લઈ લીધું હતું. લોકસભાની ચૂંટણી વખતે પક્ષની ધુરા પોતાના હાથમાં હોય તો દગો ફટકો થવાની સંભાવના ઘટી જાય એવું એમનું માનવું હતું.

બળવાખોર વિધાનસભ્યોની બેઠકમાં પહોંચ્યા નીતીશ કુમાર

લલ્લન સિંહ દ્વારા પાર્ટીના 20 વિધાનસભ્યોની એક બેઠકનું આયોજન પટનાની એક પંચતારાંકિત હોટેલમાં કરવામાં આવ્યું હતું. આ વિધાનસભ્યો અલગ રમત કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવતાં જ ખંધા રાજકારણી નીતીશ કુમારે ઉદ્ધવ ઠાકરે કે શરદ પવારની જેમ બળવાખોર વિધાનસભ્યો સામે બાંયો ચડાવવાને બદલે નવો પેંતરો રચ્યો હતો. તેઓ સામેથી આ બેઠકમાં હાજર થવા પહોંચી ગયા હતા અને ત્યાં તેમની સામે સીધો જ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે ભાજપ સાથે જોડાઈ જવું કે પછી પક્ષને પોતાની નજર સામે તૂટતો જોવો. મહારાષ્ટ્રમાં ભાજપની તાકાતનો પરચો જોઈ ચૂકેલા નીતીશ કુમારે ભાજપ સાથે જોડાઈ જવાનો વિકલ્પ પસંદ કર્યો અને પછી જે ઘટનાક્રમ રચાયો તે બધાને વિદિત જ છે.

લલ્લન સિંહ હવે કેન્દ્રમાં જવા તૈયાર?

બિહારની રાજનીતિમાં મોટો ભૂકંપ કરવા માટે એડીચોટીનું જોર લગાવનારા લલ્લન સિંહ અત્યારે જેડીયુના પ્રદેશાધ્યક્ષપદથી વંચિત થઈ ગયા છે અને મુખ્ય પ્રધાનપદ મેળવવાની જે શક્યતા ઊભી થઈ હતી તે પણ ગુમાવી બેઠા છે. આવી સ્થિતિમાં તેમને બિહારના મુંગેરમાંથી લોકસભાની બેઠક પરથી ઉમેદવારી આપીને સંતુષ્ટ કરવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે. આમ લલ્લન સિંહ જો કેન્દ્રમાં જાય તો તેમને કેન્દ્રીય પ્રધાનપદ આપીને સંતુષ્ટ કરવામાં આવશે. જેથી બિહારનું મુખ્ય પ્રધાનપદ ન મળ્યાનો તેમનો વસવસો દૂર કરી શકાય, એવું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button