Food Inflation: ટમેટાં-બટાકાં-ડુંગળીની કિંમતોએ વધારી ચિંતા, ચૂંટણીટાણે પ્રજાને લાગશે મોંઘવારીનો ઝટકો?
ચૂંટણી પહેલા દેશની જનતાને મોંઘવારીની માર નડી શકે છે. કારણકે બટેટા, ડુંગળી અને ટામેટા જેવા રોજબરોજ વપરાતા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગ્રાહક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર બટાકાના રિટેલ ભાવમાં વાર્ષિક 33 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, ડુંગળીના રિટેલ ભાવમાં 20 ટકા જ્યારે ટમેટાના રિટેલ ભાવમાં સૌથી વધુ એટલે કે 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બટાકાં હાલ 20 રૂપિયે પ્રતિ કિલો, ડુંગળી 30 રૂપિયે પ્રતિ કિલો જ્યારે ટમેટાં 30 રૂપિયે પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે.
અમુક મીડિયા અહેવાલો મુજબ આગામી કેટલાક મહિનાની અંદર ભાવ હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. જો કે ગત વર્ષે ટમેટાં અને બટાકાંના ભાવમાં 36 ટકા અને 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જુલાઈ 2023માં નબળા ચોમાસાને કારણે ટમેટાંના ભાવમાં 202 ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને 100 રૂપિયા પ્રતિ કિલો જેવી આકાશને આંબે તેવી કિંમતમાં દેશભરમાં ટમેટા વેચાઇ રહ્યા હતા. એ પછી સરકારે બજારમાં હસ્તક્ષેપ કર્યો અને સપ્લાય ચેઇનને સુધારવા માટે ઘણી જગ્યાએ 70 રૂપિયામાં ટમેટાં વેચ્યા હતા.
હાલમાં છૂટક બજારમાં ડુંગળી 30 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે તેના છૂટક ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં 25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ડુંગળીના ભાવમાં 74 ટકાનો વધારો નોંધાયા બાદ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે જ સરકારે 25 રૂપિયાના ભાવે ડુંગળી વેચવાનો પણ નિર્ણય લીધો હતો.
સરકારના આવા પ્રયત્નોને કારણે નાશિકની બજારમાં ડુંગળીના ભાવ 1000 રૂપિયે પ્રતિ ક્વિન્ટલથી નીચે આવી ગયા હતા. જે મહિનાની શરૂઆતમાં 2000 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ સુધી હતા. ટમેટાં, બટાકાં, ડુંગળીના ભાવનો કુલ મોંઘવારી દરમાં અનુક્રમે 0.6 ટકા, 1 ટકા અને 0.6 ટકા જેટલો ભાગ હોય છે. જો આ શાકભાજીના ભાવમાં આગળ જતા હજુ પણ વધારો થાય તો તેની અસર ખાદ્ય મોંઘવારી પર પણ દેખાશે.