આ વર્ષના અંત સુધીમાં નેશનલ પાર્કમાં આ ટ્રેનમાં સવારી કરી શકશો
મુંબઈ: સંજય ગાંધી નેશનલ પાર્કમાં 2024ના અંત સુધી ટોય ટ્રેનને ફરી શરૂ થવાની શક્યતા છે. પાર્કમાં ટોય ટ્રેનને ફરી શરૂ કરવા માટે સરકાર દ્વારા ટોય ટ્રેનની ખરીદી સાથે બાકીના કામકાજ માટે રૂ. 43 કરોડનું ભંડોળ ફાળવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
નેશનલ પાર્કમાં ટોય ટ્રેનને શરૂ કર્યા બાદ પર્યટકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. બોરીવલી પૂર્વમાં આવેલા આ નેશનલ પાર્કમાં 1970થી ટોય ટ્રેનને શરૂ કરવામાં આવી હતી. 2.7 કિલોમીટરના વિસ્તારમાં ડીઝલ પર ટોય ટ્રેનને ચલાવવામાં આવતી હતી. આ ત્રણ કોચની ટ્રેન બાળકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.
આ ટ્રેનના સ્ટેશનમાં કૃષ્ણાનગરી, તીનમૂર્તિ સ્ટેશનનો સમાવેશ થાય છે. નેશનલ પાર્કમાં સ્થિત આ ટોય ટ્રેન હંમેશાંથી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જોકે 2021માં ચક્રવાતને કારણે સ્ટેશન અને રેલવે ટ્રેક્સને નુકસાન થયું હતું. એટલે ટ્રેનની સેવાને બંધ રાખવામાં આવી હતી, પણ હવે વન પ્રધાન દ્વારા ટ્રેનને ફરી શરૂ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. ડીઝલને બદલે હવે બેટરીથી ચાલશે ટોય ટ્રેન.
સંજય ગાંધી નેશનલ પાર્કમાંની ટોય ટ્રેન પહેલા ડીઝલ પર ચાલતી હતી, પણ હવે તેને બેટરી પર ચલાવવામાં આવવાની છે. ટોય ટ્રેનના ત્રણ કોચમાં 70-80 જેટલા લોકો મુસાફરી કરી શકે છે. અલબત્ત, ટોય ટ્રેનની સેવાને ફરી શરૂ કરવા માટે નવા ટ્રેક બનાવવાની સાથે નુકસાન થયેલા સ્ટેશનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.