માલદીવના પર્યટન રેન્કિંગમાં ભારતનો ક્રમ ઘટ્યો, કોને થશે ફટકો?
નવી દિલ્હી: માલદીવના પ્રધાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું હતું અને ત્યાર બાદ માલદીવના ત્રણ પ્રધાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ એ ઘટનાક્રમ પછી ભારતીય ટૂરિસ્ટની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. માલદીવના ટૂરિઝમ રેન્કિંગમાં પણ અન્ય દેશની તુલનામાં ભારતનું સ્થાન પાંચમા ક્રમે ગયું છે.
તાજેતરમાં માલદીવ્સના પર્યટન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ માલદીવ્સના પર્યટન રેન્કિંગમાં ભારત ગબડીને પાંચમા ક્રમે પહોંચી ગયું હોવાનું જણાયું છે. જણાવી દઇએ કે ભારત માલદીવ્સના પર્યટન રેન્કિંગ્સમાં અત્યાર સુધી પહેલા ક્રમાંકે હતું અને માલદીવ્સમાં વેકેશન માણવા જતા પર્યટકોની સંખ્યામાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ રહેતી હતી.
માલદીવમાં આ વર્ષે ૨૮ જાન્યુઆરી સુધીમાં ૧.૭૪ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા, જેમાંથી ભારતીય માત્ર ૧૩,૯૮૯ હતા. માલદીવની મુલાકાતે આવેલા દેશના ૧૮,૫૬૧ પ્રવાસીઓ સાથે રશિયા ટોચ પર છે, ત્યારબાદ ઇટલી (૧૮,૧૧૧), ચીન (૧૬૫૨૯) અને યુકે (૧૪૫૮૮) છે. જર્મની છઠ્ઠા સ્થાને છે, ત્યાર બાદ યુએસએ, ફ્રાન્સ, પોલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ છે. ૨૦૨૩માં ૧૭ લાખથી વધુ પ્રવાસીએ રાષ્ટ્રની મુલાકાત લીધી હતી, જેમાંથી સૌથી વધુ ભારતીયો (૨,૦૯,૧૯૮) ત્યારબાદ રશિયનો (૨,૦૯,૧૪૬) અને ચાઈનીઝ (૧,૮૭,૧૧૮) હતા. એટલે કે આંકડાઓ પરથી ભારતીયોની માલદીવ્સ પ્રત્યેની નારાજગી સ્પષ્ટ થાય છે.
જોકે, ત્યારબાદ માલદીવ્સે ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. ભારતે વાંધો ઉઠાવ્યો હોવા છતાં માલદીવ્સે ચીનની રિસર્ચ શીપને પોતાના દરિયામાં લાંગરવાની પરવાનગી આપી છે. આ રીતે માલદીવ્સ પણ ભારત સાથે આડોડાઇ કરી રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. જોકે, પર્યટન પર આધાર રાખતા આ ટાપુ દેશને ભારતીયોએ પોતાના વેકેશન સ્પોટના લિસ્ટમાંથી બાકાત કરીને જડબાતોડ જવાબ આપ્યો છે, જ્યારે પર્યટન ક્ષેત્રે ફટકો પડ્યો છે.
ભારત અને માલદીવ વચ્ચે સંબંધો વણસ્યા બાદ ભારતીયો ઘણા નારાજ જણાયા અને ધડાધડ માલદીવ્સ વેકેશન માણવા જવાના પોતાના પ્લાન્સ કેન્સલ કર્યાં, ફ્લાઇટ્સ કેન્સલ કરાવી, હૉટેલ બુકિંગ કેન્સલ કરાવ્યું હતું. એટલે મુખ્યત્વે પર્યટન મારફત કમાણી કરતા આ સુંદર નાનકડા ટાપુ દેશને મોટો ફટકો પડ્યો હતો.