અલહાબાદ હાઈ કોર્ટે વકીલોને કહ્યું કે આ કોર્ટ છે કોઈ ઈન્ડસ્ટ્રી નથી…….
પ્રયાગરાજ: અલહાબાદ હાઈ કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અદાલતોને કોઈ ઈન્ડસ્ટ્રી નથી કે તમે ઈચ્છો ત્યારે કોર્ટનું કામકાજ અટકાવી શકો. જો વકીલો હડતાળ કરે તો કોર્ટની કાર્યવાહી અટકી જશે. અલાહાબાદ હાઈ કોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનોજ કુમાર ગુપ્તા અને ન્યાયમૂર્તિ ક્ષિતિજ શૈલેન્દ્રની ખંડપીઠે બલિયા જિલ્લાના રસડા તાલુકામાં વકીલોની વારંવારની હડતાલના કારણે જે રીતે કોર્ટનું કામ અટકતું હતું તે જોઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ વકીલોની હડતાલના મુદ્દે એક અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે ખૂબજ કડક શબ્દો ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તમારી હડતાલો અમારી ન્યાય પ્રણાલીના કાર્યને અટકાવે છે.
હાઈ કોર્ટે ટિપ્પણી કરતી વખતે એમ પણ કહ્યું હતું કે અદાલતોમાં હડતાલ થવાના કારણે જે દુશ્મનો છે તે વધારે મજબૂત બને છે અને તેમની અંદર લોકોને હેરાન કરવાની હિંમત વધી જાય છે. કહેવાતા ન્યાયના રક્ષકો એટલે કે વકીલો અને ન્યાયાધીશો અન્યાયનો ભોગ બનેલા લોકોના બચાવમાં ન આવે ત્યાં સુધી ખોટા લોકો કોઈની પણ સરળતાનો ફાયદો ઉઠાવે છે. અને કોર્ટ એ કોઈ ઈન્ટસ્ટ્રી નથી કે વકીલો કોઈ કામદારો નથી કે નાની નાની બાબત પર એ હડતાલ પર ઉતરી જાય.
અલહાબાદ હાઈ કોર્ટની ખંડપીઠે અદાલતોની કામગીરીને રોકતી આવી હડતાલને અયોગ્ય ઠેરવી હતી. સ્ટેટ બાર કાઉન્સિલ કે બાર એસોસિએશનને તેમની માંગણીઓ માટે કરાતી આ પ્રકારની હડતાલોને સોદાબાજી સમાન ગણાવી હતી. તેમજ કોર્ટે કહ્યું હતું કે કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે ઘણા કાયદાકીય રસ્તાઓ છે. વકીલોની હડતાળથી માત્ર કોર્ટનો સમય જ બગડતો નથી પણ મોટું નુકસાન પણ થાય છે. તેમજ કોર્ટના કામકાજ પર નકારાત્મક અસર પડે છે. જેના કારણે અરજદારોને વધુને વધુ મુશ્કેલીઓ ઉભી થાય છે. હાઈ કોર્ટે કહ્યું કે ન્યાયાધીશ કે વકીલ સમક્ષ આવતા દરેક કેસમાં એક અલગ વ્યક્તિ હોય છે અને એ દરેક વ્યક્તિને તમારાથી અને કોર્ટથી ઘણી અપેક્ષાઓ હોય છે.
અલહાબાદ હાઈ કોર્ટ સમક્ષ એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી જેમાં વિનંતી કરવામાં આવી હતી કે બલિયા જિલ્લાની રસડા તહેસીલ કોર્ટમાં બાર એસોસિએશનની હડતાલ કરનાર જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપે. પીઆઈએલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાને કારણે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. હાઈ કોર્ટે કહ્યું હતું કે બલિયામાં હડતાલ 31 જાન્યુઆરી 2023ના રોજ શરૂ થઈ હતી અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ચાલુ રહી હતી. જે ખરેખર અયોગ્ય બાબત છે. ત્યારે કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે હવે અગાઉ આવી કોઈ ઘટના બનશે તો જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવામાં આવશે.