ઝારખંડના સીએમના ઘરની બહાર 144 કલમ લાગુ, પોલીસ સુરક્ષા વધારાઈ, આવતીકાલે થઈ શકે પૂછપરછ
રાંચી: જમીન કૌભાંડ અને મની લોન્ડરિંગમાં ફસાયેલા ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન બે દિવસ બાદ અચાનક જ તેમના રાંચીના નિવાસ્થાને પહોંચ્યા હતા ત્યારે આ બે દિવસ દરમિયાન ઈડીએ તેની રાંચીથી લઈને દિલ્હી સુધી તપાસ કરી હતી. ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચા એટલે કે JMMમાં વિરોધના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે કોઈ પણ અઘટિત ઘટના ના બને તે માટે રાંચીમાં ઘણી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ સોરેનના ઘરની બહાર 100 મીટરના દાયરામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અને વિરોધ પ્રદર્શન અને સરઘસો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને ગૃહ સચિવને રાજભવનમાં બોલાવ્યા છે અને તેમની સાથે બેઠક પણ કરી હતી. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 7000 પોલીસ કર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ હેમંત સોરેન નવી દિલ્હીથી રાંચીમાં રોડ માર્ગે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જોકે આ બાબતની પણ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ એવી ચર્ચા છે કે હેમંત સોરેન આજે રાંચીમાં શાસક પક્ષના ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપી શકે છે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરહાબાદીના ગાંધી પાર્ક પણ પહોંચશે.
આ ઉપરાંત જેએમએમની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના તમામ ધારાસભ્યોને રાજ્યની રાજધાની રાંચી ન છોડવાની સૂચના આપવામાં આવી છે. તેમને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મંગળવારે મળનારી બેઠકમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. જેએમએમના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પ્રસ્તાવિત બેઠક વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને બુધવારે ઇડી દ્વારા મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ અંગેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી છે. EDને મોકલવામાં આવેલા ઈમેલમાં સોરેન 31 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે તેમના નિવાસસ્થાને તેમનું નિવેદન નોંધવા માટે સંમત થયા હતા.
નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કથિત જમીન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા માટે દક્ષિણ દિલ્હીમાં સોરેનના 5/1 શાંતિ નિકેતન નિવાસસ્થાને પહોંચી અને ત્યાં 13 કલાકથી વધુ સમય સુધી પડાવ નાખ્યો દ્વારા ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના દિલ્હી નિવાસસ્થાનની તલાશી લીધા બાદ સર્જાયેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાંચી અને અન્ય ઘણી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી છે.