ટોપ ન્યૂઝનેશનલ

Union Budget: આવતીકાલે Economic Survey નહીં રજૂ કરે સરકાર, જાણો શા માટે?

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા દેશની આર્થિક સ્થિતિનો ચિત્તાર આપતો અહેવાલ એટલે કે આર્તિક સર્વે રજૂ કરવામાં આવે છે. જે તે સરકારના પાછલા પાંચ વર્ષના નાણાકીય કામકાજના લેખાજોખા પણ આ સર્વે હોય છે, પરંતુ આ વર્ષે મોદી સરકાર બજેટ પહેલા આ અહેવાલ પ્રસ્તુત કરવાની નથી. આનું કારણ એ આપવામાં આવ્યું છે કે આ ચૂંટણી વર્ષ હોવાને લીધે અને ચૂંટણી ટૂંક સમયમાં થવાની હોવાથી સરકાર બજેટ રજૂ કરવાની નથી, પરંતુ વચગાળાની જોગવાઈઓ સાથેનું અંતરિમ બજેટ રજૂ કરશે, આથી અંતરિમ બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવતો નથી. નાણા મંત્રાલયે 29 જાન્યુઆરીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આર્થિક સર્વે જાહેર કરવામાં આવશે નહીં. મંત્રાલયના જણાવ્યા અનુસાર સામાન્ય ચૂંટણી પછી સંપૂર્ણ બજેટ પહેલા આર્થિક સર્વે બહાર પાડવામાં આવશે. સામાન્ય રીતે આર્થિક સર્વે બજેટના એક દિવસ પહેલા એટલે કે 31મી જાન્યુઆરીએ બહાર પાડવામાં આવતો હોય છે.

મંત્રાલયે સોમવારે ‘ધ ઈન્ડિયન ઈકોનોમીઃ અ રિવ્યૂ’ નામનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ જાહેર કરતી વખતે સરકારે કહ્યું છે કે આ કોઈ આર્થિક સર્વે નથી, તે પછીથી જાહેર કરવામાં આવશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત આવતા વર્ષે 7 ટકાના દરે વિકાસ કરી શકે છે. આ રિપોર્ટ મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનના કાર્યાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 3 વર્ષમાં અર્થવ્યવસ્થાનો વિકાસ દર સ્થાનિક માંગના આધારે 7 ટકા સુધી પહોંચી ગયો છે. એવું કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓને કારણે ખાનગી વપરાશ અને રોકાણ મજબૂત બન્યું છે. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને કારણે સપ્લાયમાં પણ વધારો થયો છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં અર્થવ્યવસ્થા 7 ટકાની ઝડપે વૃદ્ધિ પામશે અને આગામી 6-7 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં ભારત 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. આનાથી દેશના લોકોના જીવનધોરણ અને ગુણવત્તામાં સુધારો થશે. જો કે, અહેવાલમાં ભૌગોલિક રાજકીય સંઘર્ષના જોખમની નોંધ લેવામાં આવી છે. સંસદનું બજેટ સત્ર 1લી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ દિવસે નાણામંત્રી વચગાળાનું બજેટ રજૂ કરશે. નવી સરકાર આવે અને સંપૂર્ણ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી વચગાળાનું બજેટ વર્તમાન સરકારને દેશ ચલાવવા માટે વ્યવસ્થાના ભાગરૂપે હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button