પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને Cipher કેસમાં 10 વર્ષની જેલ
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન તથા પીટીઆઇ ચીફ ઇમરાન ખાનને Cipher કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. ઇમરાનની સાથે તેમના સહયોગી તથા પૂર્વ વિદેશ પ્રધાન મહમૂદ કુરૈશીને પણ 10 વર્ષની સજા થઇ છે. ઇમરાન ખાન આ વખતે રાવલપિંડીની અદિયાલા જેલમાં છે અને ત્યાંની કોર્ટમાં જ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સ્પેશિયલ કોર્ટનો આ નિર્ણય ઇમરાન ખાન માટે એક મોટો ફટકો છે. કારણકે હવે કોર્ટના આદેશને પગલે તેઓ પાકિસ્તાનમાં આગામી ચૂંટણી નહિ લડી શકે.
જો કે હજુ તેમની પાસે ઉપરી અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ છે, પરંતુ જે રીતે પાકિસ્તાનની સેના સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનની અદાલતમાંથી પણ તેમને રાહત મળવાની શક્યતાઓ ઓછી છે. ઇમરાનની પાર્ટીએ પણ તેની ઓળખ ગુમાવી દીધી છે. ઇમરાન પાસેથી તેની પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ‘બેટ’ પણ છીનવી લેવામાં આવ્યું હતું.
Cipher કેસમાં ઇમરાન ખાન પર જે કાર્યવાહી થઇ છે તેમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોવાથી તેમને રાહત નથી મળી રહી. દેશ સાથે સંકળાયેલી અમુક અત્યંત ગુપ્ત માહિતીઓનો અંગત ઉપયોગ કરવા બદલ ઇમરાન ખાન સામે કેસ દાખલ થયો હતો. સત્તાથી હકાલપટ્ટી થયા બાદ ઇમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે બધું અમેરિકાના ઇશારે થઇ રહ્યું છે. ઇમરાન ખાને જણાવ્યું હતું કે વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાનની એમ્બેસીએ તેમને ગુપ્ત માહિતી મોકલી હતી. ઇમરાન ખાને પોતાના રાજકીય ફાયદા માટે રાજદૂત સાથે થયેલી એક વિવાદિત ચર્ચાની વિગતો સાર્વજનિક કરી નાખી હતી. તેને Cipher કેસ નામ આપવામાં આવ્યું હતું.
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાઇ રહી છે. દેશમાં ઠેર ઠેર રેલીઓ-સભાઓ જંગી ચૂંટણી પ્રચારનો માહોલ છે. પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ સ્વદેશ પરત ફર્યા છે. તેમને હાઇકોર્ટે જામીન આપતા તેઓ હાલ પાકિસ્તાનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.